• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કાલે બનાસકાંઠાના ભીલડીમાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાશે

પીએમના હસ્તે ખેડૂતલક્ષી યોજનાનો 24મો હપ્તો રિલીઝ થશે

 

અમદાવાદ તા.28ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.30 અને 31ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, પીએમની આ મુલાકાત દરમિયાન તેઓના અધ્યક્ષસ્થાને  તા.30ને શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. જેમાં વડાપ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજનાનો 24મો હપ્તો

ખેડૂતોના ખાતામાં જમા થશે. આ હપ્તા હેઠળ દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ.18,680 કરોડથી વધુ રકમ મળશે. રાજ્યના કુલ 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ.1051 કરોડથી વધુ રકમની સહાય ચૂકવાશે.

વડાપ્રધાનની મુલાકાતની સમીક્ષા કરવા માટે ભીલડી પહોંચેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ અગાઉના 1થી 23 હપ્તામાં દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 4,47,000 કરોડથી વધુ ચૂકવાયા છે. ગુજરાતના 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 24,137 કરોડથી વધુ મળ્યા છે.

વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, ભીલડીના કાર્યક્રમમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. રૂ. 328.77 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત બોવાઇન બ્રાડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાશે. બનાસ ડેરીના થરાદ અને રાધનપુરમાં નવા બે કોપ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન થશે. બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને યુએચટી-એએસઆરએસનું ઈ-લોકાર્પણ પણ કરાશે.

 

વડાપ્રધાનની ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ

ઁ          30મી, ઓક્ટોબરે સાંજે વડાપ્રધાન, સ્ટેચ્યુ અૉફ યુનિટી-એકતાનગર ખાતે ’ભારત પર્વ’ પેવેલિયનની મુલાકાત લેશે અને ત્યારબાદ કલ્ચરલ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્કૂલ અૉફ ડ્રામા દ્વારા પ્રસ્તુત થનાર ભવ્ય નાટક ‘આનંદમઠ’ નિહાળશે. 

ઁ          રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે 31મી ઓક્ટોબરે,

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે સવારે વડાપ્રધાન, સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજાલિ અર્પણ કરશે ત્યારબાદ, એકતાનગર ખાતે વિવિધ જનકલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. 

ઁ          વડાપ્રધાન, સવારે ’આરંભ 2026’ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે તથા બપોરે ટેન્ટ સિટી ખાતે દેશના તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ સાધશે. 

ઁ          સાંજે પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ’રાષ્ટ્રીય એકતા દિવસ’ના મુખ્ય ઉજવણી સમારોહમાં વડાપ્રધાન, મુખ્યાતિથિ તરીકે સહભાગી થઈ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલશે. 

ઁ          આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક