• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

યુદ્ધવિરામ માટે હૂથીને સાઉદીએ ચૂકવ્યા 1 અબજ ડોલર ?

પાકિસ્તાન, સાઉદી, ઈરાન અને હૂથી વચ્ચે કંઈક રંધાયું : સાઉદીના રક્ષામંત્રી ખુદ વિમાનમાં નાણાં લઈને ગયા હતા તહેરાન

નવીદિલ્હી, તા.28 : સાઉદી અરબે યમનનાં હૂથી વિદ્રોહી જૂથ સાથે યુદ્ધવિરામ અને પોતાના ઉપર થઈ રહેલા હુમલાઓ રોકવા માટે કથિત રીતે 1 અબજ ડોલર આપવાની ઓફર કરી હોવાની ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે.

ઈઝરાયલનાં મીડિયા દ્વારા ખાડી ક્ષેત્રનાં રાજદ્વારી સૂત્રોનાં હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે, આ સમજૂતીમાં ઈરાનની મધ્યસ્થતા મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે. પાકિસ્તાન પણ આમાં સામેલ હોવાનું કહેવાય છે. જો કે સાઉદી તરફથી હૂથીઓને કોઈ રકમ આપવામાં આવી હોવાની પુષ્ટિ થઈ નથી.

સાઉદીના રક્ષા મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને તહેરાનનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન જ હૂથી સાથે શત્રવિરામ અંગે પણ વાતચીત થઈ હતી. કથિત સમજૂતી હેઠળ ઈરાનનાં માધ્યમથી હૂથીઓને 1 અબજ ડોલર ચૂકવવાનો પ્રસ્તાવ હતો. સાઉદી રક્ષામંત્રી જે માલવાહક સૈન્ય વિમાનમાં તહેરાન પહોંચ્યા હતા તેમાં જ આ રકમ લઈ જવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે સાઉદી તરફથી આવી કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી કે તેના તરફથી નાણાં ચૂકવી દેવામાં આવ્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક