બાંગ્લાદેશી
નાગરિકે વેચેલા હેક આઈડીથી મેઇલ મોકલાયા, ક્રિપ્ટોમાં પેમેન્ટ, બે ગુના દાખલ
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 28: અમદાવાદની શાળાઓ, મેયર ઓફિસ, હાઇકોર્ટ, વિવિધ કોર્ટ સંકુલો અને નરેન્દ્ર મોદી
ક્રિકેટ સ્ટેડિયમ જેવાં સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકીઓ પાછળ પાકિસ્તાન-બાંગ્લાદેશનું
ષડયંત્ર હોવાનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે બે અલગ-અલગ એફઆઈઆર
નોંધીને તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે હેક કરાયેલા જૂના જીમેઇલ એકાઉન્ટ્સ
ખરીદીને તેનો ઉપયોગ ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે ધમકીભર્યા મેઇલ મોકલવા માટે કરવામાં
આવ્યો હતો.
પોલીસ
તપાસ અનુસાર, ગત 7 ઓક્ટોબરે બોની બેંક્સ અને અન્ય ફેક આઈડી પરથી મોકલાયેલા ઈમેઇલમાં
ખાલિસ્તાની નેશનલ આર્મીના નામે લખાણ સાથે શહેરના 16 મહત્વના સ્થળોને ઉડાવી દેવાની ધમકી
અપાઈ હતી. આ ઈ-મેઇલના હેડર એનાલિસિસમાં તેનું લોકેશન બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાનનું
રાવલાપિંડી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ 27 ઓક્ટોબર, 2026ના રોજ અન્ય એક આઈડીથી
અમદાવાદના 19 જેટલાં સ્થળોને નિશાન બનાવતો ધમકીભર્યો મેઇલ મળ્યો હતો, જેનું નેટવર્ક
કનેક્શન બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાનના લાહોર સાથે જોડાયેલું હોવાનું જણાયું
છે. આ કેસની કડીઓ મેળવતા પશ્ચિમ બંગાળમાંથી એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. તેણે
પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તેણે હેક થયેલા જી-મેઇલ આઇડી બાંગ્લાદેશના નેટવર્કને
વેચ્યા હતા, જ્યાંથી તે પાકિસ્તાની હેન્ડલર્સ સુધી પહોંચ્યા હતા અને તેની ચુકવણી ક્રિપ્ટોકરન્સી
મારફતે થઈ હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલન કરીને વધુ
તપાસ ચલાવી રહી છે.