4 હજાર
લોકોના આરોગ્ય સાથે ચેડા : ઘર પર પથ્થરમારો થયાનો બદલો લેવા યુવકે પાણીના સંપમાં કેમિકલ
અને ઓઇલ નાખ્યાની કબૂલાત
વઢવાણ
તા.28: લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ગામના પાણીના
સંપમાં રાત્રિ દરમિયાન અજાણ્યા તત્ત્વો દ્વારા ઝેરી કેમિકલ અને ઓઇલ નાખવામાં આવતાં
ગ્રામજનોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે. અંદાજે 4,000થી વધુ લોકોની વસ્તી ધરાવતા
ગામમાં પંપ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે.
મળતી
માહિતી મુજબ, વહેલી સવારે પાણી વિતરણ દરમિયાન પાણીમાંથી ઓઇલ જેવો પદાર્થ અને અસહ્ય
દુર્ગંધ આવતાં ગ્રામજનોને શંકા ગઈ હતી. ત્યારબાદ પાણીના સંપની તપાસ કરવામાં આવતાં તેમાં
ઓઇલ અને અન્ય ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યા હોવાની આશંકા સામે આવી હતી. ઘટનાની જાણ સરપંચ
સહિતના આગેવાનોને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રામજનોની
મદદથી સંપમાં રહેલું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી
હતી.
પ્રાથમિક
તપાસ દરમિયાન નજીકમાં રહેતા યુવક ધીરુભાઇ વાટિયાની સંડોવણી સામે આવી હોવાનો દાવો કરવામાં
આવ્યો છે. પૂછપરછ દરમિયાન યુવકે રાત્રે પોતાના ઘર પર પથ્થરમારો થયો હોવાના બદલામાં
પાણીના સંપમાં કેમિકલ અને ઓઇલ નાખ્યાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ
મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. સદનસીબે, દુર્ગંધને કારણે પાણીનો ઉપયોગ અટકાવાયો
હોવાથી કોઈએ આ પાણી પીધું ન હોવાનું અને જાનહાનિ ટળી હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ
પોલીસને કરવામાં આવી છે. જોકે, છ કલાક સુધી તપાસ કે કાર્યવાહી શરૂ ન થઈ હોવાના આક્ષેપને
પગલે સરપંચ સહિતના આગેવાનોમાં નારાજગી જોવા મળી છે.