• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

આઝમ ખાનની જોહર યુનિવર્સિટીની 1170 કરોડની મિલકત જપ્ત

ઈડીએ સપા નેતાને લીધા અડફેટે ઃ મની લોન્ડરિંગની તપાસમાં કરવામાં આવેલી મોટી કાર્યવાહી

નવીદિલ્હી, તા.28 ઃ સમાજવાદી પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને યુપીનાં પૂર્વ કેબિનેટ મંત્રી મોહમ્મદ આઝમ ખાનની મુશ્કેલી ફરી એકવાર વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ આઝમ ખાન સાથે જોડાયેલી મૌલાના મોહમ્મદ અલી જોહર ટ્રસ્ટની જોહર યુનિવર્સિટીની જમીન અને ઇમારતોને જપ્ત કરવાની કામગીરી કરીને ખળભળાટ મચાવી દીધો છે.

ઈડીના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી સંપત્તિનું મૂલ્ય 426.46 કરોડ છે, જ્યારે તેનું વર્તમાન બજાર મૂલ્ય આશરે 1,170 કરોડ આંકવામાં આવ્યું છે. આ કાર્યવાહી મની લોન્ડારિંગ નિવારણ કાયદા હેઠળ કરવામાં આવી છે. ઈડીની લખનઉ ઝોનલ ઓફિસનાં સત્તાવાર નિવેદન અનુસાર રામપુરના જોહર નગરમાં આવેલી આ યુનિવર્સિટીના માનદ કુલાધિપતિ આઝમ ખાન છે. ઈડીએ અગાઉ રામપુરના અઝીમનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 26 એફઆઈઆરના આધારે મની લોન્ડારિંગની તપાસ શરૂ કરી હતી. આ કેસોમાં આરોપ હતો કે યુનિવર્સિટી માટે ખેડૂતોની ખેતીની જમીન પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો. સિંહનખેડા ગામમાં આશરે 34 એકરમાં ફેલાયેલી દુશ્મન સંપત્તિના 45 જમીનના ટુકડાઓ પર પણ ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સંબંધિત જમીનની લીઝ ટ્રસ્ટના પક્ષમાં રદ થયા બાદ જિલ્લા વહીવટીતંત્ર મારફતે દુશ્મન સંપત્તિના સંરક્ષકે તેનો કબજો પાછો મેળવી લીધો હતો. ઈડીની તપાસમાં આરોપ સામે આવ્યો કે સરકારી વિકાસકાર્યો માટે ફાળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ યુનિવર્સિટીના પરિસરમાં કરવામાં આવ્યો હતો. સરકારી કોન્ટ્રાક્ટ મેળવનારા કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાં દાનનાં સ્વરૂપમાં પાછાં ટ્રસ્ટ સુધી પહોંચાડવામાં આવ્યાં હોવાની બાબત પણ તપાસમાં સામે આવી હતી. એક કંપનીના મેનાજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે જાહેર બાંધકામ વિભાગ (પીડબલ્યૂડી)ના આશરે 186 કરોડના કોન્ટ્રાક્ટની રકમમાંથી 30થી 40 ટકા રકમનો ઉપયોગ યુનિવર્સિટીના બાંધકામ માટે સામગ્રી ખરીદવામાં કરવામાં આવ્યો હતો. અન્ય એક ફર્મના ભાગીદારોએ આઝમ ખાનના પ્રભાવ હેઠળ કામ કર્યું હોવાનું અને ટ્રસ્ટને 40 લાખનું દાન આપ્યું હોવાનું સ્વીકાર્યું હતું. ઈડીએ એમ પણ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે ટ્રસ્ટની નોંધણી રદ કરી દીધી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક