• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ગજબ...! 696 ડબા, 7.6 કિ.મી લંબાઈ, દુનિયાની સૌથી લાંબી ટ્રેન

ડર્બન, તા. 28 : દુનિયાની સૌથી લાંબી માલગાડી દોડાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાએ પોતાના નામે કર્યો છે. સામાન્ય રીતે માલગાડીની લંબાઈ એકથી દોઢ કિલોમીટર જેટલી હોય છે, પરંતુ દક્ષિણ આફ્રિકાએ 7.6 કિલોમીટર લાંબી માલગાડી દોડાવીને સૌને ચોંકાવી દીધા છે. આ માલગાડીમાં કુલ 696 ડબ્બા જોડવામાં આવ્યા હતા. આ સાથે દક્ષિણ આફ્રિકાએ અૉસ્ટ્રેલિયાનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.  7.6 કિલોમીટર લાંબી માલગાડીને દોડાવવી સરળ નહોતી. આટલી લાંબી ટ્રેનને ખેંચવા માટે તેની વચ્ચે અનેક ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યાં હતાં. આ વ્યવસ્થા દ્વારા ટ્રેનને લાંબા અંતર સુધી લઈ જવાની ક્ષમતા ચકાસવામાં આવી હતી.

અહેવાલ મુજબ, આ માલગાડીએ દરિયાકાંઠે આવેલા સલદાન્હા બેથી લોખંડની ખાણ સુધીની સફર પૂરી કરી હતી. આ પહેલાં દુનિયાની સૌથી લાંબી માલગાડી દોડાવવાનો રેકોર્ડ અૉસ્ટ્રેલિયાના નામે હતો. વર્ષ 2001માં અૉસ્ટ્રેલિયાએ 7.24 કિલોમીટર લાંબી માલગાડી દોડાવી હતી. હવે દક્ષિણ આફ્રિકાએ 7.6 કિલોમીટર લાંબી માલગાડી દોડાવીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. 696 ડબ્બા અને અનેક એન્જિન સાથે દોડેલી આ માલગાડીએ રેલવે પરિવહનના ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક