• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ભાવનગરમાં ખનીજચોરીનો વિરોધ કરનાર આધેડની હત્યા

વિરડી ગામે ઘરમાં ઘૂસી મહિલા સહિત પાંચ શખસોએ કર્યો હુમલો; સારવાર દરમિયાન 59 વર્ષીય આધેડનું મોત, ખનીજચોરીની અદાવતમાં હત્યા કરાયાનો પરિવારનો આક્ષેપ

 

ભાવનગર,તા.11ઃ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે ગેરકાયદે ખનીજચોરી સામે અવાજ ઉઠાવવો એક આધેડ માટે જીવલેણ બન્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં ઘૂસી મહિલા સહિત પાંચ શખ્સોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

    વિરડી ગામના રહેવાસી અને સેન્ટિગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 59 વર્ષીય આનંદભાઈ પુંજાભાઈ કંટારીયા ગામમાં એકલા રહેતા હતા. તેમના પત્ની, પુત્ર અને પુત્રી રોજગાર અર્થે સુરત ખાતે રહે છે. મળતી વિગતો મુજબ, બપોરના સમયે આનંદભાઈ ઘરે એકલા હતા ત્યારે મહિલા સહિત પાંચ શખ્સો તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા.

આરોપીઓએ ધોકા અને લોખંડની પાઇપ વડે આનંદભાઈ પર હુમલો કર્યો હતો. માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડÎા બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મળી આવેલા આનંદભાઈને સ્થાનિક લોકો ગારિયાધારની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, તેમની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ

નીપજ્યું હતું. મૃતકના ભત્રીજા મોહિત કંટારીયાએ આક્ષેપ કર્યો છે કે વિરડી ગામની સીમમાં લાંબા સમયથી ગેરકાયદે ખનીજ ખનન અને ચોરીની પ્રવૃત્તિ ચાલતી હતી. આનંદભાઈએ આ પ્રવૃત્તિનો વિરોધ કરી સંડોવાયેલા તત્વોને ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને તેમના કાકા પર હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે.

બનાવની જાણ થતાં ગારિયાધાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સર ટી. હોસ્પિટલ ખાતે પણ પહોંચીને પરિવારજનોનાં નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે હત્યાના બનાવ અંગે તપાસ શરૂ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. બીજી તરફ, ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ખનીજચોરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક