• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી ટી-20માં ભારતની 14 રને જીત

 નવી દિલ્હી, તા. 11

 ભારતીય ટીમે પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના ત્રીજા મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝને 14 રને પરાજય આપીને રોમાંચક જીત નોંધાવી છે. પ્રથમ બાટિંગ કરતાં ભારતે નોંધાવેલા 223 રનના જવાબમાં કેરેબિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 209 રન જ બનાવી શકી હતી. આ સાથે ભારત સીરિઝમાં 2ઃ1થી આગળ થયું છે.

 વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન શાઈ હોપ (5) અર્શદીપ સિંહની બાલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ કામિલ પૂરને 27 બોલમાં 42 રન અને શિમરોન હેટમાયરે 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. જોકે, નમન ધીરે આ બંને આક્રમક બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરીને મેચનું પલડું ભારત તરફ નમાવ્યું હતું. આખરી ઓવરોમાં શમાર પ્રિંગરે 11 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 35 રનની તોફાની ઇનિંગ્સ રમી જીતની આશા જગાવી હતી, પરંતુ તે ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી શક્યો નહીં. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે નમન ધીરને 2 તેમજ અક્ષર પટેલ અને નીતિશ કુમાર રેડ્ડીને 1-1 સફળતા મળી હતી.

પહેલા બાટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાએ ઓપનર અભિષેક શર્માની વિસ્ફોટક અડધી સદીના દમ પર 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની શરૂઆતમાં જ સંજુ સેમસન 3 રને શમાર જોસેફનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અભિષેક શર્માએ 30 બોલમાં 230ના સ્ટ્રાઇક રેટ સાથે 69 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે આવેલા ઇશાન કિશને 18 બોલમાં 37 રન ફટકાર્યા હતા. તિલક વર્માએ 16 બોલમાં 28 રન જોડÎા હતા, તે રન આઉટ થયો હતો. અંતે ટીમ 223 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

અભિષેકે ચાલુ વર્ષે દર સાતમા બોલે એક છક્કો લગાવ્યો

આજે ઓપનર અભિષેક શર્માએ આક્રમક બાટિંગનું પ્રદર્શન કરતાં માત્ર 30 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 69 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ સાથે જ તેણે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 68 છગ્ગા ફટકારવાના સૂર્યકુમાર યાદવના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગયા વર્ષે 54 છગ્ગા ફટકારનાર અભિષેકે આ સિઝનમાં સરેરાશ દર સાતમા બોલે એક સિક્સર ફટકારીને આ સિદ્ધિ નોંધાવી છે. વર્તમાન ફોર્મને જોતાં તે આગામી મેચોમાં સૂર્યાને પછાડીને ટી20 ક્રિકેટમાં નવો ઇતિહાસ રચવા માટે પ્રબળ દાવેદાર બન્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક