• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

દીવની નમો મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યાનો આક્ષેપ

બારીયા પરિવાર સામે પોલીસ ફરિયાદ ઃ આવક અને નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રોની તપાસ બાદ કાર્યવાહી

 

દીવ, તા.11 ઃ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રદેશમાં આવેલી નમો મેડિકલ કોલેજ અનેક વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર બનવાનું સપનું સાકાર કરવાની તક બની છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના પ્રયાસોથી શરૂ થયેલી આ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પારદર્શક રહે તે માટે વિવિધ કેટેગરીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

દીવના નાયડા વિસ્તારના રહેવાસી નથુ નારણ બારીયા, વર્ષાબેન નથુ બારીયા અને તેમના પુત્ર શુભ બારીયાએ નમો મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી હતી. એમબીબીએસના પ્રવેશમાં શુભનું નામ વેઇટિંગ લિસ્ટમાં આવ્યું હતું. આ દરમિયાન વેઇટિંગ લિસ્ટમાં પાછળ રહેલા બે વિદ્યાર્થીના વાલીઓ, સરકારી કર્મચારી અને શિક્ષક દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી કે શુભે આવક અને નોન-ક્રીમીલેયરનાં ખોટાં પ્રમાણપત્રો રજૂ કર્યાં છે.

ફરિયાદના આધારે દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાના આદેશ અને નેતૃત્વ હેઠળ દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આવકના પ્રમાણપત્રમાં રૂ.1.20 લાખની આવક દર્શાવવામાં આવી હતી, જ્યારે શુભના પિતાની ચાર મહિનાની આવક રૂ.36,54,000 હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનો દાવો છે. મામલતદાર કચેરીના કારકૂન રામજી બામણીયાએ નથુ નારણ બારીયા, તેમની પત્ની અને પુત્ર સામે દીવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધાયો છે. કેસની તપાસ ચાલુ હોવાથી આગળની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક