• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ત્રીજી વન-ડે ટીમ ઇન્ડિયાએ 49 રને જીતી, ઓસ્ટ્રેલિયા શ્રેણી વિજેતા

સૂર્યાંશ શેડગે અને બોલર્સનાં કારણે વ્હાઇટવોશ ટળ્યો

નવી દિલ્હી, તા.11 ઃ ઋતુરાજ ગાયકવાડનાં નેતૃત્વ હેઠળની ભારત ‘એ’ ટીમે આખરે ત્રીજી બિનસત્તાવાર વન-ડેમાં ઓસ્ટ્રેલિયા ‘એ’ સામે 49 રને વિજય મેળવ્યો છે. અગાઉની બન્ને મેચો ગુમાવી ચૂકેલી ભારતીય ટીમ શ્રેણી 2-1થી હારી ગઈ હોવા છતાં આ વિજયથી વ્હાઇટવોશની શરમજનક સ્થિતિ ટળી હતી. સૂર્યાંશ શેડગેની ઇનિંગ્સ અને ભારતીય બોલરોનાં આક્રમણે આ મેચમાં જીતનું પલડું ભારત તરફ નમાવ્યું હતું.

ટોસ હારીને પ્રથમ બાટિંગમાં ઉતરેલી ભારત ‘એ’ ટીમને પ્રિયાંશ આર્યા (49) અને પ્રભસિમરન સિંહ (39)ની જોડીએ 83 રનની મક્કમ શરૂઆત અપાવી હતી. જોકે, મિડલ ઓર્ડરમાં નિયમિત અંતરે વિકેટો પડતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. કેપ્ટન ઋતુરાજ (33) બાદ યુવા સૂર્યાંશ શેડગેએ એક છેડો સંભાળીને કાઉન્ટર-એટેક કર્યો હતો. શેડગેએ 60 બોલમાં 66 રન ફટકાર્યા હતા. 276 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયા ‘એ’ના ઓપનર્સ જોશ ફિલિપ (56) અને લિયામ સ્કોટે 82 રનની ભાગીદારી કરીને ભારત પર દબાણ વધાર્યું હતું પરંતુ વિપ્રજ નિગમે ફિલિપને પેવેલિયન ભેગો કરતાં જ ભારતીય બોલરોએ મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી. કાંગારુ બાટિંગ લાઇન-અપ 226 રનમાં જ ખખડી ગયું હતું. ભારતે આખરી મુકાબલો 49 રને જીતી સન્માન બચાવ્યું, જોકે શ્રેણી ટ્રોફી ઓસ્ટ્રેલિયાનાં નામે રહી.

ઇ-પેપરના નવા શુલ્ક