નદી કિનારે રહેલા મકાનો તણાયા, હાઈડ્રો પાવર પ્રોજેક્ટને પણ નુકસાન
કાઠમાંડૂ, તા. 11 ઃ નેપાળમાં આવેલા ભીષણ પૂરને હજી બે મહિના પણ વિત્યા નથી તેવામાં વધુ એક જળપ્રલય આવ્યો છે. ગોરખા જીલ્લામાં રવિવારે બુઢી ગંડક નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ સૈલાબમાં નદીનું પાણી આસપાસના ગામોમાં ઘૂસી ગયું હતું અને ઘણા મકાન તેમજ પુલ વહી ગયા હતા. વધુમાં ચાર લોકો લાપતા થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. જેની તલાશ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી છે.
જાણકારી અનુસાર ગંડકી હાઈડ્રોપાર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું હતું. પૂરના કારણે અમુક ઉપકરણો વહી ગયા હતા. સવારે ચાર વાગ્યાની નજીક જ પાણી ગામમાં પહેંચવા લાગ્યું હતું અને ડરેલા લોકો તાકીદે ઉંચાણ ધરાવતા વિસ્તારો તરફ ભાગવા લાગ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઉંચાણ ધરાવતા વિસ્તારમાં ચુન્ચુબ્રી સ્યારી નદીનું પાણી બંધ થયું હતું. બાદમાં એક તળાવ બન્યા બાદ અચાનક તેનું પાણી નીચે આવવા લાગ્યું હતું.
બુઢી ગંડકી નદીમાં આવેલા પુરના કારણે સલ્લેરી, પાયુકા અને જગતમાં નદી કિનારે સ્થિત મકાનો વહી ગયા હતા. વધુમાં એક પુલ પણ તૂટી ગયો હતો. ગોરખા જીલ્લાના અધિકારી ધર્મેન્દ્ર કુમાર મિશ્રાએ કહ્યું હતું કે, શરૂઆતી જાણકારી અનુસાર સિઉરીબાસના ઉપરના વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. આ બનાવમાં જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. આ અગાઉ 26 ઓગસ્ટના
રોજ ભોટેકોશી નદીમાં ભીષણ પૂર આવ્યું હતું અને તેમાં 1455 લોકોએ
જીવ ગુમાવ્યો હતો.