• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં, 4 વિકેટે 308 રન

            રાજકોટમાં છત્તીસગઢ સામે ચિરાગ જાનીના 83 રન બાદ રવિન્દ્ર જાડેજા અને પ્રેરક માંકડની અણનમ 157 રનની ભાગીદારી

રાજકોટ, તા.11

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરવાનો છત્તીસગઢનો નિર્ણય પ્રથમ દિવસે ઊંધો પડ્યો છે. મુકાબલાના પહેલા દિવસે સૌરાષ્ટ્રે પ્રારંભિક આંચકાઓમાંથી બહાર આવીને 90 ઓવરમાં 4 વિકેટના નુકસાને 308 રનનો મજબૂત સ્કોર ખડકી દીધો છે. ટોપ ઓર્ડરમાં ચિરાગ જાનીની 83 રનની લડાયક ઇનિંગ્સ અને ત્યારબાદ પાંચમી વિકેટ માટે રવિન્દ્ર જાડેજા તથા પ્રેરક માંકડ વચ્ચે થયેલી અણનમ 157 રનની ભાગીદારીના દમ પર સૌરાષ્ટ્રે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

ઇનિંગ્સની શરૂઆતમાં ઓપનર હાર્વિક દેસાઈ (20 રન, 53 બોલ) અને ચિરાગ જાનીએ પ્રથમ વિકેટ માટે 66 રન જોડ્યા હતા. ધર્મેન્દ્રાસિંહ જાડેજાએ હાર્વિકને એલબીડબલ્યુ આઉટ કરીને છત્તીસગઢને પહેલી સફળતા અપાવી હતી. ત્યારબાદ ત્રીજા ક્રમે આવેલા જય ગોહિલે 31 રન (63 બોલ) ઉમેર્યા હતા, પરંતુ દેવ આદિત્ય સિંહે તેને બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો હતો.  બાદમાં દેવ આદિત્ય સિંહે તરત જ અનુભવી અર્પિત વસાવડાને ખાતું ખોલ્યા વિના (0) કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ સેટ બેટ્સમેન ચિરાગ જાનીને 83 રને બોલ્ડ કરીને સૌરાષ્ટ્રને 151 રને ચોથો ઝટકો આપ્યો હતો. ચિરાગ જાનીએ પોતાની 148 બોલની સંયમિત ઇનિંગ્સમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

151 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ સૌરાષ્ટ્રની ટીમ દબાણમાં આવી ગઈ હતી. જોકે, ક્રિઝ પર સાથે આવેલા રવિન્દ્ર જાડેજા અને પ્રેરક માંકડે કાઉન્ટર-એટેક કરીને છત્તીસગઢના બોલરોને કોઈ વધુ તક આપી નહોતી.  પ્રેરક માંકડે 112 બોલમાં અણનમ 92 રન ફટકાર્યા હતા. જ્યારે બીજી તરફ અનુભવી રવિન્દ્ર જાડેજાએ મક્કમ ડિફેન્સ સાથે 154 બોલનો સામનો કરી 72 રન જોડ્યા હતા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે થયેલી 157 રનની ભાગીદારીના કારણે દિવસના અંતે સ્કોરબોર્ડ 308/4 પર પહોંચ્યું હતું.  સૌરાષ્ટ્ર પાસે કેપ્ટન જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, અંકુર પનવાર, સંમર ગજ્જર અને અર્થ યાદવના રૂપમાં બાટિંગ ડેપ્થ હજુ બાકી છે. બીજા દિવસે પ્રેરક માંકડ પોતાની સદી અને ટીમ 450થી વધુનો સ્કોર નોંધાવી પ્રથમ દાવમાં મોટી લીડ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ઇ-પેપરના નવા શુલ્ક