• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

મોંઘી બોટલમાં સસ્તો દારૂ ભરવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદમાં નકલી પ્રીમિયમ દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ, એક ઝડપાયો: માસ્ટરમાઇન્ડ સહિત ત્રણ વોન્ટેડ

 

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.28: ઠક્કરબાપાનગરના કૃષ્ણનગર વિસ્તારમાં મોંઘી અને જાણીતી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો વિદેશી દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. એલસીબી ઝોન-5 અને કૃષ્ણનગર પોલીસે દરોડો પાડી શખ્સને ઝડપી લીધો હતો જ્યારે સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કુલ રૂ.1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે હેમલ ઉર્ફે હેમુ મહેશભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. પૂછપરછમાં ભરત સોલંકી અને તેનો ભાઈ વિજય સોલંકી સસ્તો દારૂ લાવી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી, તેના પર નકલી સ્ટીકર અને ઢાંકણાં લગાવતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ ઠક્કરબાપાનગર નજીક મકાન ભાડે રાખી છેલ્લા બે-ત્રણ મહિનાથી આ ગોરખ ધંધો ચલાવતા હતા. દરોડા દરમિયાન દારૂ ભરેલી 47 બોટલ, વિવિધ બ્રાન્ડની 322 ખાલી બોટલ, 211 નકલી સ્ટીકર અને 293 ઢાંકણાં મળી આવ્યા હતા.આરોપીઓ બોટલની બ્રાન્ડ પ્રમાણે રૂ.500થી રૂ.5 હજાર સુધીનો નફો મેળવતા હતા. ઝડપાયેલા હેમલનું કામ સસ્તો દારૂ મોંઘી બોટલમાં ભરવા તથા ગ્રાહકો સુધી પહોંચાડવાનું હતું. પોલીસ હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ કરી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક