• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

અલ્પેશ દોંગાએ લોનના બહાને ખેડૂતની રૂ.60 લાખની જમીન પડાવી લીધી

રૂ.4.55 લાખ આપી લોન ન મળવાનું કહી ધાકધમકીથી વેકરીના ખેડૂત પાસે વેચાણ દસ્તાવેજ કરાવ્યો 

ગોંડલ, તા.29: ગોંડલ તાલુકાના વેકરી ગામના ખેડૂતને ઓછા વ્યાજે લોન અપાવવાની લાલચ આપી રૂ.60 લાખની કિંમતની ખેતીની જમીન માત્ર રૂ.4.55 લાખમાં પડાવી લેવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે ચાર શખ્સો સામે ગુનાહિત કાવતરું, બળજબરીથી મિલકત પડાવી લેવી અને ધમકી સહિતની કલમો હેઠળ ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

    ફરિયાદમાં રાજકોટના મોરબી રોડ પર રહેતા મૂળ વેકરી ગામના 55 વર્ષીય સવજીભાઈ બાબુભાઈ રાંકએ અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા, અભયભાઈ મોલીયા, મનીષાબેન અભયભાઈ મોલિયા અને જયેશભાઈ રામજીભાઈ ભાલાળા સામે આક્ષેપ કર્યા છે. વર્ષ 2017માં અકસ્માત બાદ સારવાર અને ઉછીના નાણાં ચૂકવવા લોનની જરૂર પડતાં સવજીભાઈએ અખબારમાં જાહેરાત જોઈ અલ્પેશ દોંગાનો સંપર્ક કર્યો હતો.

આરોપીઓએ લોન અપાવવાના બહાને જમીનના દસ્તાવેજો મેળવી રૂ.4.55 લાખ આપ્યા હતા. બાદમાં સીબીલ ખરાબ હોવાનું કહી લોન નહીં થાય તેમ જણાવી જમીનના કાગળો પરત આપ્યા ન હતા. ફરિયાદ મુજબ, માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.60 લાખની બજાર કિંમત ધરાવતી જમીનનો રૂ.4.55 લાખમાં વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હતો. આ અંગે પીએસઆઈ આર.જે. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક