-પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી ઃ 44 ટ્રેક્ટર સહિત કુલ 47 વાહનની કિંમત રૂ.3.20 કરોડ રિકવર, ચાર શખસ ઝડપાયા
(ફૂલછાબ ન્યુઝ)
સુરેન્દ્રનગર, તા.28ઃ મૂળી તાલુકાની સોલાર કંપનીઓમાં વાહનો માસિક ભાડેથી લગાડવાના નામે બનાવટી જાહેરાતો આપી વાહન માલિકોને વિશ્વાસમાં લઈ વાહનો મેળવી લીધા બાદ ભાડાની રકમ ન ચૂકવી વાહનો પરત નહીં આપવાના કથિત છેતરાપિંડીના બનાવનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મૂળી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સુરેન્દ્રનગરની સંયુક્ત કામગીરીમાં ચાર ઇસમને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે તેમની પાસેથી કુલ રૂ.3,20,00,000ની કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે અરજદાર ભીમાભાઇ જીણાભાઇ ડોંડા, જાતે ભરવાડ, રહે. લક્ષ્મીશેરી નં.-5, લખતર
તથા અન્ય અરજદારો દ્વારા તા.16/09/2026ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે આશરે 6થી 7 મહિના અગાઉ મૂળી તાલુકાની સોલાર કંપનીઓમાં વાહનો માસિક ભાડે રાખવા માટે બનાવટી જાહેરાતો કરવામાં આવી હતી. આ જાહેરાતોમાં ટ્રેક્ટર માટે માસિક રૂ.25,000, જેસીબી
માટે રૂ.90,000થી રૂ.1,20,000 અને ફોરવ્હીલ વાહન માટે રૂ.60,000 સુધીનું
માસિક ભાડું આપવાની વાત કરવામાં આવી હતી. આ લાલચના આધારે અરજદાર તથા સાહેદો પાસેથી ટ્રેક્ટર-44, જેસીબી-3,
ફોરવ્હીલ વાહન-2, ડમ્પર-1
તથા બોલેરો પીકઅપ-1 મળી કુલ 51 વાહનો,
જેની કુલ કિંમત રૂ.3,49,90,000 છે, તે લેવામાં આવ્યા હતા. પરંતુ તેનું માસિક ભાડું ચૂકવવામાં ન આવતા વાહન માલિકોએ પોતાના વાહનો પરત માંગ્યા હતા. તેમ છતાં વાહનો પરત નહીં મળતાં કુલ 51 વાહનોની
રૂ.3,49,90,000ની કિંમતની છેતરાપિંડી થયાની ફરિયાદ કરવામાં આવી હતી.
આ અંગે મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ આગળ ધપાવી હતી. પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન અજુનગભાઇ ઉર્ફે અરજણભાઇ કરમણભાઇ જોગરાણા, અજીમભાઇ ગનીભાઇ ઘુણિયા, કિરણભાઇ સગરામભાઇ ડાભી, ચતુરભાઇ કાળાભાઇ સારદિયાને ઝડપી પાડયા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ 47 વાહનો રિકવર કરવામાં આવ્યા છે. તેમાં 41 ટ્રેક્ટર, 3 જેસીબી, 2 ફોરવ્હીલ વાહન અને 1 ડમ્પરનો સમાવેશ થાય છે. આ રિકવર કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ.3,20,00,000 છે. આરોપી અજીમભાઇ ગનીભાઇ ઘુણિયા વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે.