મહિલાને લાફા માર્યા, પુત્રને જાનથી મારી નાખવાની ધમકી; કારનો કાચ તોડી રૂ.3 હજારનું નુકસાન
બાબરા,તા.27:બાબરા
તાલુકાના ઘુઘરાળા ગામે એક પરિવારના ઘરે જઈ મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તેમજ
કારને નુકસાન પહોંચાડયાની ફરિયાદ બાબરા પોલીસ મથકે નોંધાઈ છે. ઘટનાને પગલે પોલીસે ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી પ્રવિણભાઈ રામજીભાઈ ચાવડા (ઉં.વ.52)એ યુવરાજભાઈ
વિરકુભાઈ જેબલીયા, રહે. ત્રંબોડા તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ
મુજબ, આશરે 20-21 દિવસ અગાઉ ફરિયાદીના પુત્ર જયેશભાઈ સાથે યુવરાજભાઈ તથા અન્ય બે શખ્સોની
મારામારી થઈ હતી. આ બનાવ અંગે જયેશભાઈએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ
તા.25 સપ્ટેમ્બરની રાત્રે યુવરાજભાઈએ જૂના મનદુ:ખને લઈને બે શખ્સોને ફરિયાદીના ઘરે
મોકલ્યા હોવાનો આક્ષેપ છે. રાત્રે આશરે સાડા નવ વાગ્યે આવેલા બંને શખ્સોએ ફરિયાદીની
માતાને બે લાફા મારી ઈજા પહોંચાડી હતી તેમજ જયેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી
હતી. ઉપરાંત ઘરની બહાર પાર્ક કરેલી ક્રેટા કારનો પાછળનો કાચ તોડી અંદાજે રૂ.3 હજારનું
નુકસાન કર્યું હતું.
ફરિયાદમાં આરોપીઓ ફરિયાદી દલિત સમાજના હોવાનું
જાણતા હોવા છતાં આ કૃત્ય કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાબરા પોલીસે સંબંધિત કલમો
હેઠળ ગુનો નોંધી વધુ તપાસ લાઠીના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય પી. માનસેતા દ્વારા હાથ
ધરવામાં
આવી
છે.