• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

શોક માર્કેટ! 8 લાખ કરોડ ભસ્મીભૂત

-સેન્સેક્સ, નિફ્ટીમાં 1.6 ટકાનાં ડરામણા ગાબડાં ઃ વૈશ્વિક અનિશ્ચિતતામાં ભારતીય શેરબજારમાં નાસભાગ

 

નવી દિલ્હી, તા.28ઃ અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવનાં કારણે ક્રૂડ ઓઈલનાં સળગતા ભાવ અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઉછાળા સહિતનાં કારણે વૈશ્વિક અર્થતંત્રમાં પ્રવર્તતી અનિશ્ચિતતાનાં હિસાબે આજે ભારતીય શેરબજારમાં ડરામણો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ તથા નિફ્ટીમાં 1.6% સુધીનાં ગાબડાં પડી ગયા હતાં.

આ ઘટાડાને કારણે સેન્સેક્સ પહેલી વખત 30 માર્ચ પછી 72 હજારના સ્તરે જોવા મળ્યો. તેનો અર્થ એ છે કે લગભગ 6 મહિનામાં શેરબજારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1,124 પોઈન્ટ ઘટીને 72,800ની નીચે બંધ થયો, જ્યારે નિફ્ટીમાં 360થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો અને તે લગભગ 22,800ના સ્તરે બંધ થયો હતો.

આ વેચવાલીના કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી આશરે 8 લાખ કરોડ ધોવાઈ ગયા હતાં. જેના કારણે કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને લગભગ 474 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.

સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા. બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. જેમાં નિફ્ટી સ્મોલકેપ 100 અને મિડકેપ 100 ઇન્ડેક્સમાં લગભગ 2%નો ઘટાડો થયો હતો. બજારમાં ઉતાર-ચઢાવને માપતો ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ લગભગ 12% વધીને 14ની નજીક પહોંચી ગયો. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતી. તેમાં નિફ્ટી પીએસયુ બેન્કમાં 3%થી વધુ અને નિફ્ટી રિયાલ્ટીમાં 2%થી વધુનો ઘટાડો નોંધાયો. અન્ય સેકટરલ ઈન્ડેક્સમાં પણ 1-2%નો ઘટાડો જોવા મળ્યો.

એકંદરે બજારનું વલણ ઘણું નકારાત્મક રહ્યું. એનએસઈ પર 869 શેરોમાં તેજીની સામે 2,716 શેરોમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે 91 શેરોમાં કોઈ ફેરફાર થયો ન હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક