અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટની સહમતી ઃ 92 સાક્ષીનું પલટી જવું ચિંતાજનક, નોટિસ જારી
નવીદિલ્હી, તા.28 ઃ ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સાથીદાર તુલસીરામ પ્રજાપતિના એનકાઉન્ટરના 2005ના કેસમાં 21 પોલીસકર્મીઓ સહિત કુલ 22 આરોપીની
નિર્દોષ મુક્તિના બોમ્બે હાઇ કોર્ટના આદેશને પડકારતી અરજી સાંભળવા માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે. કોર્ટે આ અરજીનાં અનુસંધાને નોટિસ પણ જારી કરી હતી.
સોહરાબુદ્દીનનાં ભાઈ નયાબુદ્દીન શેખની અરજી ઉપર સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી, વી.મોહનાની પીઠે નોટિસ જારી કરી હતી. આ અરજીમાં બોમ્બે હાઇ કોર્ટના 7મી મેના એ ફેંસલાને પડકારવામાં આવ્યો છે જેમાં આરોપીઓનાં છૂટકારાનાં આદેશને યોગ્ય ઠરાવવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ અરજી સાંભળીને સંકેત પણ આપ્યો હતો કે, તે ચુનંદા સાક્ષીઓનાં નિવેદનોની પણ તપાસ કરશે. સીજેઆઇએ કહ્યું હતું કે, અદાલત કેટલાક સાહેદોના નિવેદનો ચકાસવા માગશે. અત્યારે કોઈ રેકોર્ડ માગવામાં આવતો નથી પણ જે ત્રણ-ચાર નિવેદન જરૂરી લાગે તે કોર્ટમાં પેશ કરવામાં આવે. કોર્ટ આ ચુકાદાની તપાસ કરશે. જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે, ખટલો નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ હતો કે નહીં તે જોવા માટે પ્રોસિક્યુશનના 92 સાક્ષીનું
પલટી જવું એક એવો મામલો બની જાય છે જેનાં ઉપર વિચારણા જરૂરી છે. આ ચિંતાની વાત છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર ગુજરાતનાં આ એન્કાઉન્ટરમાં 22 આરોપીમાંથી
21 ગુજરાત અને રાજસ્થાનના પોલીસ અધિકારી હતા જ્યારે અન્ય એક આરોપી કૌસર બીને બાનમાં રાખવામાં આવી તે ફાર્મહાઉસનો માલિક હતો.