કેન્દ્રીય દવા નિયામક સંસ્થાની ચેતવણી; કિડની ફેઇલ થઇ શકે
નવી દિલ્હી, તા. 28 ઃ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ
કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ડોક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી પેનકિલર (દર્દ નિવારક દવાઓ) અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ પ્રકારની દવાઓનો અતિશય અને અનિયમિત સેવન ‘ક્રોનિક કિડની ડિસીઝ’નું મુખ્ય કારણ બની શકે છે.
સામાન્ય રીતે માથાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો કે શરીરમાં થતી સામાન્ય પીડા માટે લોકો કોઈપણ ડોક્ટરના પ્રિક્રિપ્શન વગર સીધી જ મેડિકલમાંથી પેનકિલર ખરીદી લે છે, પરંતુ લાંબા સમય સુધી આવી દવાઓ લેવાથી કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે, યુવાઓમાં પણ કિડની ખરાબ થવાના કેસો વધી રહ્યા છે, જેનું મોટું કારણ લાંબા સમય સુધી પેનકિલરનું સેવન છે. ગંભીર કેસોમાં દર્દીઓને ડાયાલિસીસ પર રાખવાની નોબત પણ આવી જાય છે. જો સામાન્ય દર્દ હોય તો મહિનામાં એક કે બે દિવસ દવા લઈ શકાય, પરંતુ સતત દુઃખાવા માટે હંમેશાં ડોક્ટરની સલાહ લેવી
અનિવાર્ય છે.
માત્ર પેનકિલર જ નહીં, પરંતુ શરદી, ખાંસી કે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં પણ લોકો જાતે જ એન્ટિબાયોટિક્સ ખાવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સીડીએસસીઓ સ્પષ્ટ કર્યું છે કે દરેક સંક્રમણમાં એન્ટિબાયોટિક્સની જરૂર હોતી નથી. કયા રોગમાં કઈ દવા અને કેટલા દિવસ માટે લેવી તે માત્ર ડોક્ટર જ દર્દીની સ્થિતિ જોઈને નક્કી કરી શકે છે, તેથી સેલ્ફ-મેડિકેશન (જાતે દવા લેવાથી) બચવું ખૂબ જરૂરી છે.