યુપીઆઇ કંપનીઓને ખટાવવાનો આશય હોવાની શંકા : ચાર્જથી બચવા લોકો પૈસા ઉપાડી લેશે, પરિણામે બેંકો પાસે મફતમાં રહેતી થાપણો ઓછી થઈ શકે છે
રાજકોટ,તા.18:
(ફૂલછાબ ન્યૂઝ) યુપીઆઇ વડે થતી પર્સન ટુ મર્ચન્ટ નાણાકિય લેવડ-દેવડ ઉપર એમડીઆર 15 ઓક્ટોબરથી
લાગુ થવાનો છે. જોકે એ પૂર્વે વેપારી વર્ગમાંથી વ્યાપક વિરોધ ઉઠ્યો છે. રૂ. 2 હજારથી
વધારે રકમની ચૂકવણી પર 0.4 ટકાની ફી લેવામાં આવશે. આ મુદ્દે ગુજરાતના વેપારી મંડળે
ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું છે કે, સરકારે ચુનંદા કંપનીઓના ફાયદા માટે નિર્ણય લીધો
હોય એવી છાપ ઉપસી છે. ગ્રાહકને જ તેનો ડામ આવશે. કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણને
પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદથી શરૂ થયેલો વિરોધ હવે ગામેગામ વિવિધ ચેમ્બરો
અને વેપારી સંગઠનો સુધી પણ પહોંચ્યો છે.
ઉપલેટા
ચેમ્બર દ્વારા પણ વિરોધ કરીને કહેવાયું છે કે, મંદીનો માહોલ છે ત્યારે નવા ચાર્જ પોસાય
તેમ નથી. રૂ. 2 હજાર હવે સાવ નાની રકમ થઇ ગઇ છે ત્યારે અસંખ્ય નાના વ્યવહારો થાય છે
જેના પર દેખરેખ રાખવાનું સરકાર માટે પણ મુશ્કેલ બનશે. મહિને એક વખત જ ચાર્જ લગાવાય
અથવા લિમિટ વધારવાની જરુર છે.
ગુજરાત
ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે સરકાર બચાવમાં કહે છેકે
અમે અત્યારે યુપીઆઈ ચલાવવા, મેન્ટેન કરવા માટે જે સબ્સિડીઓ આપીએ છીએ તે માટે આ દર લાગુ
પાડ્યો છે. પરંતુ હવે 10 વર્ષ પછી જ્યારે બધાને
આ વ્યવસ્થા અનુકૂળ આવી છે ત્યારે એક સામાન્ય દરના નામે વસૂલાત કરવાનું કોઇ કારણ જ ન
હોવું જોઇએ. બીજી તરફ યુપીઆઇ કંપનીઓ, એપ્સ અને બેંકો વગેરે છેલ્લા બે-અઢી વર્ષમાં મબલખ
નફો કમાયા છે. એમને ખોટ જતી નથી.
તેમણે
જણાવ્યું હતું કે સરકારના આ વિચાર સામે અમારો મોટો વાંધો છે કે કેમ કે તેનો હેતુ બેંકોને
અને ખાસ તો યુપીઆઈ કંપનીઓને કમાણી થાય તે મતલબનો છે. જીપે અને ફોનપે એ બન્નેમાં 50
ટકા આસપાસનું હોલ્ડિગ અમેરિકન કંપનીઓનું છે, એને સૌથી વધારે લાભ થશે.
સરકારને
વધુમાં વધુ 8,000થી 12,000 કરોડની સબસિડી આપે છે. એની સામે ચાર્જ રૂપે સરકાર જે વસૂલાત કરવાની છે તેનો આંકડો એના અનેકગણો
થાય છે. આમ સરકારનો આશય સ્પષ્ટ થતો નથી. તેમણે કહ્યું કે સરકારનો આ નિર્ણય નેવાના પાણી
મોભે ચડાવવાની વાત છે. હવે રોકડ ક્યાંથી આવશે તે મોટો સવાલ છે અત્યાર સુધી મોટા ભાગના
રોકડ રાખવાને બદલે લોકો બેન્કમાં પોતાની રોકડ રાખતા હતા. તેનો બીજો ફાયદો હતો કે બેન્કો
પાસે મોટી રકમ પડી રહેતી હતી અને તે લોન આપવામાં વપરાતી હતી, પરંતુ તે હવે ધીમે ધીમે
બંધ થશે. પહેલા તો યુપીઆઇથી તમામ વ્યવહારો સરકારના ચોપડે આવતા હતા તે હવે બંધ થશે એટલું
જ નહી ડિજિટલ ચાર્જથી બચવા માટે વેપારીઓ અને ગ્રાહકો ફરી રોકડ વ્યવહારો કરવા તરફ વળશે.
તેમણે
વધુમાં કહ્યું કે સરકાર બેન્કમાં રહેલા પૈસાનો ઉપયોગ કરીને પોતાના મળતિયાઓને રૂ.
100, 200 કે 500 કરોડની લોન આપતી હતી. આ આખા વિષચક્રમાં ભોગવવાનું તો સામાન્ય લોકોને
આવે તેમ છે. મોટી કંપનીઓ તો નાણાની ચૂકવણી નેફ્ટ કે આરટીજીએસથી કરે છે ત્યારે ચાર્જની
અસર સામાન્ય લોકો અલબત્ત 85 ટકા પર વધુ થશે. કોઇ વ્યક્તિ રૂ. 2000 વેપારીને આપે તો ચાર્જ લાગે પણ 1999માં લાગતો નથી,
તેના પરિણામે વેપારી ભાવ વધારો કરશે અને અંતે ભોગવવાનું સામાન્ય વ્યક્તિને આવશે.
---