• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

સુરતના કોસંબા નજીક હાઇ વે પર ટેમ્પો પલટી જતા એકનું મૃત્યુ : છ ઈજાગ્રસ્ત

સુરત, તા.17 : સુરત જિલ્લાના કોસંબા નજીક આઇશર ટેમ્પાનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો પલટી જતાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

કામરેજ ગાય પગલા રોડ પર આવેલા હિંદવા ડ્રીમ્સ પાસેથી લાઇટિંગનો સામાન ભરીને આઇશર ટેમ્પો ભરૂચની ઝાડેશ્વર ચોકડી તરફ જઈ રહ્યો હતો. કોસંબા નજીક પહોંચતા જ અચાનક ટેમ્પાનું પાછળનું ટાયર ફાટી જતા ટેમ્પો ચાલકે સ્ટિયારિંગ પરથી કાબૂ ગુમાવી દેતા પૂરઝડપે જતો ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્માત સમયે ટેમ્પામાં કુલ 17 લોકો સવાર હતા. જેઓ ગાડી પલટતા જ હાઇવે પર ફંગોળાઈ ગયા હતા. જેમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને અન્ય 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટેમ્પામાં સવાર બાકીના અન્ય મજૂરોનો આબાદ બચાવ થયો હતો અને તેઓ સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. દુર્ઘટનામાં ઘવાયેલા અન્ય 6 લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. બનાવ અંગે જાણ થતા જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને કોસંબા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ક્રેઇન વડે ટેમ્પાને રસ્તાની સાઇડમાં ખસેડયો હતો. કોસંબા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક