• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

યુદ્ધ વચ્ચે અમેરિકા જશે ઈરાનનાં રાષ્ટ્રપતિ

સંયુક્તરાષ્ટ્રની બેઠકમાં સામેલ થવા માટે આગામી સપ્તાહે જશે : વિઝા જારી કર્યા અમેરિકાએ

નવી દિલ્હી, તા.18: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 7 મહિનાથી જંગ ચાલી રહી છે અને આમ છતાં ઈરાનનાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આગામી સપ્તાહમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્તરાષ્ટ્રની સાધારણ સભામાં સામેલ થવાનાં છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયે જણાવ્યા અનુસાર બન્ને નેતાઓને વિઝા આપી દેવામાં આવ્યા છે. યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર ઈરાનનાં શીર્ષ નેતાઓ અમેરિકા પહોંચી રહ્યાં છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, શું ઈરાનનાં રાષ્ટ્રપતિની અમેરિકામાં ધરપકડ થઈ શકે? તો આનો જવાબ ના છે.

કોઈપણ દેશનાં વર્તમાન રાષ્ટ્રપતિની અન્ય દેશમાં ધરપકડ કરવી આસાન નથી હોતી. આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ તેમને ખાસ કાનૂની રક્ષણ મળેલું હોય છે. વળી યુનોનું મુખ્યાલય ન્યૂર્યોમાં છે અને અમેરિકા તેનું યજમાન છે. માટે સંયુક્તરાષ્ટ્રની બેઠકમાં સામેલ થવા માટે આવતાં અન્ય દેશનાં પ્રતિનિધિઓને અમેરિકામાં અનુમતિ આપવી તેની જવાબદારી બની જાય છે. યુનોનાં નિયમાનુસાર પણ અમેરિકા ઈરાનનાં રાષ્ટ્રપતિની ધરપકડ કરી શકતું નથી. જો કે ઈરાનનાં પ્રતિનિધિ મંડળ માટે ન્યૂયોર્કમાં અમુક નિર્ધારિત સ્થાન સુધી જ યાત્રા સીમિત રહેશે. આટલા તનાવ વચ્ચે બની રહેલા આ ઘટનાક્રમમાં હવે અમેરિકા અને ઈરાનનાં અધિકારીઓ વચ્ચે કોઈ વાટાઘાટ થાય છે કે, નહીં તેનાં ઉપર આખી દુનિયાની મીટ મંડાયેલી રહેવાની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક