બોટાદ,તા.17 : તરઘરા ગામે વીજ
લાઈનની કામગીરી દરમિયાન તાર બદલવાના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં વાડી માલિકે
ત્રણ વીજ કર્મચારીઓ પર કુહાડીના ઉંધા ઘા માર્યાની ફરિયાદ પાળીયાદ પોલીસ મથકે નોંધાઈ
છે. હુમલામાં ત્રણેય કર્મચારીઓને પગના ભાગે ઈજા થતાં તેમને પાળીયાદ સરકારી હોસ્પિટલમાં
સારવાર આપવામાં આવી હતી.
ફરિયાદ મુજબ સુરકા ગામે રહેતા
30 વર્ષીય કલ્પેશભાઈ ધીરૂભાઈ ભેંસજાળીયા સુદવીક એનર્જી એન્ડ ઇન્ફ્રા પ્રા.લિ., બેંગ્લોરના
વિશ્વાસ જે.જી.વાય. ફીડરની લાઈનના કામમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તા.16 સપ્ટેમ્બરે
તેઓ કર્મચારીઓ શાહીદુલખાન અસલમખાન, મેહબુબ આલમ મહંમદ યુસુફ અને તૌકીરઆલમ જુહુરઆલમ સાથે
તરઘરા-પાળીયાદ રોડ પર નાળા નજીક તાર બદલવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન વાડી માલિક
રાહુલભાઈ અરજણભાઈ સાકળીયાએ કામ અટકાવી બોલાચાલી કરી હતી. બાદમાં મામલો ઉગ્ર બનતાં આરોપીએ
ગાળો બોલી કુહાડીના ઉંધા ઘા માર્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ
છે. પોલીસે રાહુલભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.