• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

એશિયાડ: જાપાનમાં મેદાન બહાર ખેલાડીઓનો સંઘર્ષ!

નાગોયા, તા.18: જાપાન હંમેશાં ચોકસાઈ, શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને શિસ્ત માટે વિશ્વભરમાં પ્રખ્યાત રહ્યું છે. પરંતુ એશિયન ગેમ્સ (એશિયાડ) પૂર્વે વ્યાપક અવ્યવસ્થાએ જાપાનની પ્રતિષ્ઠાને મોટો ફટકો પહોંચાડયો છે. ખેલાડીઓ માટે રહેવાની સમસ્યા, પરિવહનમાં ગંભીર છબરડા સહિતના વિવાદને કારણે ચારેતરફથી આકરી ટીકાઓ થઈ રહી છે.

 મહિલા જિમ્નાસ્ટ અને પુરુષ કોચ વચ્ચે એક જ રૂમ !

ભારતીય જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને તેમના કોચ અશોક મિશ્રા ચેક ઇન સમયે શરમજનક મુકાયા હતા. ક્રૂઝ શિપ પર બંનેને રહેવા માટે એક જ રૂમ ફાળવવામાં આવ્યો હતો. એક મહિલા એથ્લેટ અને પુરુષ સપોર્ટ સ્ટાફ માટે આ પ્રકારની કોમન રૂમની વ્યવસ્થાથી સ્વાભાવિક રીતે જ ભારે નારાજગી સર્જાઈ હતી. બાદમાં મહામહેનતે ઉકેલ આવ્યો હતો.

‘એથ્લેટ વિલેજ’ ન બનાવવાનો નિર્ણય ભારે પડયો

ખર્ચ બચાવવા અને પર્યાવરણ જાળવણીના હેતુથી પરંપરાગત ‘એથ્લેટ વિલેજ’ ન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તેના બદલે અંદાજિત 17,000 જેટલા ખેલાડીઓ અને સ્ટાફને કોસ્ટા સેરેના નામની વિશાળ ક્રૂઝ શિપ, શાપિંગ કન્ટેનરમાં બનાવેલા કામચલાઉ રૂમ અને શહેરની વિવિધ હોટલોમાં ઉતારો આપવામાં આવ્યો છે. શરૂઆતમાં 15,000 ખેલાડીનો અંદાજ હતો, પરંતુ આંકડો વધતા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. કન્ટેનરમાં બનેલા રૂમ અત્યંત સાંકડા છે અને બે ખેલાડીઓ માટેના રૂમમાં ત્રણ ખેલાડીઓને રહેવાની ફરજ પડી છે.

એરપોર્ટ પર કલાકો સુધી રઝળપાટ

વિવિધ દેશોના રમતવીરો જાપાન પહોંચ્યા ત્યારે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડયો. ભારતીય રમતવીરો, ખાસ કરીને રોઇંગ અને શાટિંગ ટીમના સભ્યો કલાકો સુધી એરપોર્ટ અને ક્રૂઝ શિપના રૂમમાં ફસાયેલા રહ્યા. થાઇલેન્ડની ટીમનો સામાન અને રૂમની ફાળવણી સમયસર ન થતાં ખેલાડીઓને ફ્લોર પર જ સૂવાનો વારો આવ્યો હતો. ચીનના વિશ્વ ચેમ્પિયન જિમ્નાસ્ટ ઝાંગ બોહેંગે પણ 6 કલાકના રઝળપાટ બાદ કંટાળીને પોતાના ખર્ચે અલગથી હોટલ બુક કરાવવી પડી હતી.

પરિવહન સેવાઓનું કથળેલું સ્તર

માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ ખેલાડીઓને પ્રેક્ટિસ માટે લઈ જતી બસોના રૂટ પણ ખોટા હોવાના અસંખ્ય કિસ્સાઓ નોંધાયા છે. દક્ષિણ કોરિયા અને કતારની ફૂટબોલ ટીમને રગ્બી સ્ટેડિયમના બદલે બેઝબોલ સ્ટેડિયમ પર ઉતારી દેવામાં આવી હતી. વિયેતનામની મહિલા વોલીબોલ ટીમને ખોટી હોટલ પર ઉતારી દીધી. ભારતીય શૂટર્સને તેમની હોટલથી શાટિંગ રેન્જ સુધી પહોંચવામાં બે-બે કલાકનો સમય લાગી રહ્યો છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક