વડોદરા, તા.18: રાજકોટના જામનગર રોડ પર રહેતા અને ફર્નિચરનો વેપાર કરતા એક યુવક સાથે લગ્નના બહાને રૂ. 3.30 લાખની છેતરાપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિચિતોના માધ્યમથી વડોદરાની મેઘનાબેન પ્રજાપતિ નામની યુવતીના ફોટા બતાવી યુવકને વડોદરા બોલાવવામાં આવ્યો હતો. ત્યાંના ઉમા ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં વકીલ અને નોટરી સમક્ષ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બોગસ લગ્નનું સોગંદનામું તૈયાર કરાવી ઠગ ટોળકીએ રોકડા રૂપિયા પડાવી લીધા હતા. લગ્ન બાદ યુવક યુવતીને રાજકોટ લઈ આવ્યો હતો. થોડા દિવસો પછી યુવતી પરિવારમાં મૃત્યુ થયાનું બહાનું ધરી વડોદરા પરત ગઈ હતી અને તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. તપાસ કરતા આખી ગેંગે ભેગા મળીને છેતરાપિંડી આચરી હોવાનું ખુલ્યું હતું. આ જ ટોળકીએ અન્ય એક યુવક સાથે પણ આજ પ્રકારે ખોટા દસ્તાવેજો બનાવી છેતરાપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.