અમરેલી,
માણાવદર, કચ્છ અને જામનગર સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં વરસતા
ખેડૂતોમાં ખુશીની લહેર : કાલથી લો-પ્રેશર સક્રિય થવાની આગાહી
રાજકોટ,
અમદાવાદ, તા. 9: ગુજરાતમાં લાંબા સમયથી વરસાદના વિરામ વચ્ચે બુધવારે સૌરાષ્ટ્ર અને
કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમરેલી, જામનગર, માણાવદર
અને કચ્છ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં આશાનું કિરણ
જાગ્યું છે. જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેતરોમાં
ઊભા પાક પર સંકટ ઊભું થયું હતું. હવે વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોને પાકને જીવનદાન મળવાની
આશા જાગી છે. આગામી દિવસોમાં જો સારો અને વ્યાપક વરસાદ થાય તો ખેતી માટે મોટો ફાયદો
થઈ શકે છે.
બીજી
તરફ હવામાન વિભાગે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના
અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના
જણાવ્યા મુજબ 11 સપ્ટેમ્બરે નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે
આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.
લાંબા
વિરામ બાદ અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ધારી, ખાંભા અને સાવરકુંડલા
પંથકમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. ખાંભાના રબારીક ગામ તેમજ સાવરકુંડલાના દાધિયા અને
હાડીડા ગામમાં પણ વરસાદ નોંધાયો હતો.
જામનગર
જિલ્લામાં આશરે 42 દિવસના લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. બુધવારે શહેર
સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતો અને નાગરિકોમાં રાહત જોવા
મળી હતી. શહેરમાં બપોરે 12 વાગ્યા બાદ વાદળોની ઘેરાબંધી વચ્ચે છૂટાછવાયા વરસાદી છાંટા
પડયા હતા. થોડા સમય બાદ વાદળો વિખેરાતાં તડકો નીકળ્યો હતો, જોકે આકાશમાં વાદળોની અવરજવર
યથાવત્ રહી હતી. ધ્રોલમાં બપોરે 4 વાગ્યા બાદ વરસાદી ઝાપટું પડયું હતું અને આશરે 5
મી.મી. વરસાદ નોંધાયો હતો. કાલાવડમાં પણ બપોરે એક વાગ્યાના સુમારે વરસાદી ઝાપટું પડતાં
શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રાહત મળી હતી. કચ્છમાં પણ લાંબા સમય બાદ
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
પડયાં હતાં. અબડાસાના સિંધોડી મોટી ગામ, નખત્રાણાના મથલ અને ભુજના કોટડા ચકાર વિસ્તારમાં
હળવો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લાના હવામાનમાં સવારથી પલટો આવતા આકાશમાં વરસાદી
વાદળો છવાયા છે અને જૂનાગઢ શહેર તથા માણાવદરમાં સવારે અને સાંજે હળવાથી ભારે ઝાપટા
પડયા હતા.