• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ફેઈલ : 1000 ફ્લાઈટ રદ

લંડનથી આયર્લેન્ડ સુધી વિમાનયાત્રીઓને હાલાકી: સાયબર એટેકનાં કારણે સર્જાઈ સમસ્યા?

નવી દિલ્હી, તા.9: લંડનથી લઈને આયર્લેન્ડ સુધી અચાનક આકાશમાં વિમાન ઉડાન થંભી ગઈ જતાં હાહાકાર મચી ગયો હતો. એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.ક્યાંક ફ્લાઇટ રદ થઈ તો ક્યાંક કલાકોની મોડી થઈ અને ક્યાંક વિમાનોને અન્ય એરપોર્ટ તરફ વાળવા પડ્યા. આ સમગ્ર મામલો બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ સાથે જોડાયેલો હતો. બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ એજન્સી એનએટીએસની ફ્લાઇટ પ્રોસાસિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા તેની અસર હીથ્રો, ગેટવિક, મેનચેસ્ટર, સ્ટેનસ્ટેડ અને લંડન લ્યુટન જેવા મોટા એરપોર્ટ પર જોવા મળી હતી. ફ્લાઇટ ટ્રાકિંગ વેબસાઇટ ફ્લાઈટ રડાર 24 અનુસાર 600થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે બાદમાં મળેલી માહિતી મુજબ કુલ રદ થયેલી ફ્લાઇટ્સનો આંકડો 1,000થી પણ વધુ હોવાનું જણાવાયું હતું. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે સિસ્ટમમાં ખામી કેવી રીતે આવી? શું આ માત્ર ટેકનિકલ ખરાબી હતી કે તેની પાછળ સાયબર એટેક જેવી કોઈ ઘટના હતી?

આ ખામીની અસર માત્ર બ્રિટન પૂરતી સીમિત રહી નહોતી. સ્કોટલેન્ડના એડિનબર્ગ, ગ્લાસગો અને એબરડીન જેવા એરપોર્ટ પર પણ વિલંબ અને ફ્લાઇટ રદ થવાની સ્થિતિ સર્જાઈ હતી. આયર્લેન્ડના ડબ્લિન એરપોર્ટ પર પણ આવતી-જતી ફ્લાઇટ્સમાં વિક્ષેપની માહિતી આપવામાં આવી હતી. એટલે કે એક સિસ્ટમની સમસ્યાએ જોતજોતામાં સમગ્ર એર ટ્રાફિક નેટવર્કને અસર કરી નાખ્યું હતું.

આ દરમિયાન મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની  ફ્લાઇટ એઆઈ-131 પણ તેની અસર હેઠળ આવી હતી. બોઈંગ 787-9 ડ્રીમલાઈનરને હીથ્રો એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી મળી શકી નહીં અને વિમાનને જયુરિક તરફ ડાયવર્ટ કરવું પડયું. વિમાનમાં 290થી વધુ મુસાફરો હતા. શરૂઆતમાં વિમાનને આગળની મુસાફરી ચાલુ રાખવાની આશા હતી, પરંતુ સ્થિતિ સામાન્ય ન થતાં અંતે ફ્લાઇટ રદ કરવી પડી. મુસાફરોને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતાં.

બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સેવા સંભાળતી એનએટીએસએ જણાવ્યું હતું કે સમસ્યા તેની ફ્લાઇટ પ્રોસાસિંગ સિસ્ટમમાં હતી. એજન્સીના જણાવ્યા મુજબ એન્જિનિયરોને તાત્કાલિક કામે લગાડવામાં આવ્યા અને સિસ્ટમને સામાન્ય સ્થિતિમાં લાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. એનએટીએસએ મુસાફરોને થયેલી મુશ્કેલી બદલ માફી પણ માગી.

એજન્સીએ જણાવ્યું કે એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નહોતો અને ફ્લાઇટ્સ રવાના થઈ રહી હતી, પરંતુ સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. ટેકનિકલ ખામી બાદ લંડન ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજનમાં આવતી અને જતી ફ્લાઇટ્સ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતાં. તેની સીધી અસર બ્રિટનના મોટા એરપોર્ટ પર પડી હતી. હીથ્રો, ગેટવિક, મેનચેસ્ટર અને સ્ટેનસ્ટેડ પર મુસાફરોને વિલંબ અને ફ્લાઇટ રદ થવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લંડન લ્યુટન અને બર્મિંગહામથી પણ ફ્લાઇટ્સમાં વિક્ષેપના અહેવાલો આવ્યા. સ્કોટલેન્ડના એડિનબર્ગ, ગ્લાસગો અને એબરડીન એરપોર્ટ પણ આ સમસ્યાથી અછૂટા રહ્યા નહોતા.  મુંબઈથી લંડન માટે રવાના થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆઈ 131ને હીથ્રો એરપોર્ટ પર સર્જાયેલી સ્થિતિને કારણે ઝ્યુરિખ તરફ વાળવી પડી હતી. વિમાન 8 સપ્ટેમ્બરે મુંબઈથી રવાના થયું હતું. તેમાં 290થી વધુ મુસાફરો સવાર હતા.

આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ છે કે શું આ કોઈ સાયબર હુમલાનું પરિણામ હતું? અત્યાર સુધી સાયબર એટેક અથવા હાકિંગની કોઈ પુષ્ટિ થઈ નથી. ટેકનિકલ ખામી કયા કારણસર સર્જાઈ, તેમાં કોઈ બાહ્ય તત્ત્વની ભૂમિકા હતી કે સિસ્ટમમાં આંતરિક સમસ્યા ઊભી થઈ હતી, તે અંગે હજુ સ્પષ્ટતા થવાની બાકી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમસ્યા પાછળનું સાચું કારણ શું હતું તે જાણી શકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક