• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

રા.લો. સંઘની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપ, બળવાખોરો જીત્યાં

કુવાડવા બેઠક ઉપર નીતિન ચોવટિયા સામે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તેમજ માધાપર બેઠક

પર વિજય સખીયા સામે ઘોઘુભા જાડેજાની હાર : રાદડિયા જૂથનો દબદબો યથાવત્ રહ્યો

રાજકોટ, તા.9 : રાજકોટ લોધિકા વેચાણ સંઘની આજે યોજાયેલી પ્રતિષ્ઠાભરેલી ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સહકારી ક્ષેત્રના ચૂંટણી જંગમાં ભાજપ સાથે સંકળાયેલા જૂથો સામે ભાજપના જ બળવાખોરો જીત્યાં હતાં. કુવાડવા અને માધાપર બેઠકો ઉપર બળવો કરનારા ઉમેદવારોનો વિજય થયો હતો. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ જાડેજાનો પરાજય થયો હતો. ફરી એક વખત રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો હતો.

રાજકોટના સહકારી ક્ષેત્રની નાના કદની પણ રાજકિય અખાડામાં મોટી ગણાતી રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ આવતા સહકારી અગ્રણી જયેશ રાદડિયા જૂથનું વર્ચસ્વ કાયમ રહ્યું છે, પ્રશાંત કોરાટ જૂથની હાર થઇ છે. પાંચ બેઠકો માટે ગઇકાલે યોજાયેલી ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરૂધ્ધ લડનાર બે મહત્વની બેઠકો રાદડિયા જૂથે કબજે કરી હતી. જોકે એ પૂર્વે 10 બેઠકો બિનહરિફ થઇ ગઇ હતી. ચેરમેન તરીકે કોને બેસાડવા તેની ચર્ચાઓ તેજ બની છે.

ચૂંટણીમાં ગઇકાલે 21માંથી 20 મત પડ્યા હતા. આજે સવારે ગણતરી પણ મિનિટોમાં પૂર્ણ થઇ જતા જીતની ઉજવણી કરવામાં આવી હતી.  કુવાડવા બેઠક પરથી નીતિન ચોવટીયા સામે પૂર્વ મંત્રી અરાવિંદ રૈયાણી અને માધાપર બેઠક પર વિજય સખીયા સામે પૃથ્વાસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાની હાર થઇ હતી.      (જુઓ પાનું 10)

આ બન્ને ઉમેદવારને પાર્ટીએ મેન્ડેટ આપેલા હતા. છતાં હાર થઇ છે. ત્રંબા બેઠક પર ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળતા નીતિન રામાણીની જીત થઈ છે. ખોખડદડ બેઠક પર બાબુ નસીત અને હલેન્ડામાં મહેશ આસોદરીયાની જીત થઇ છે.

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે 10 બિનહરીફ અને 3 વિજેતા ઉમેદવારનું કાર્યાલય ખાતે સ્વાગત-સન્માન કર્યા હતા. બળવાખોર બે વિજેતા ઉમેદવાર વિજય સખીયા અને નીતિન ચોવટીયાને બોલાવ્યા ન હતા.

પરાજય બાદ રૈયાણીએ એવું નિવેદન આપ્યું હતુ કે પાર્ટીથી મોટું કોઇ નથી, વ્યક્તિ પાર્ટીથી મોટો નથી હોતો એટલે કોઇએ એવું ન માનવું જોઇએ કે અમે અમારા બળે જીત્યા છીએ. આ નિવેદન તેમણે આડકતરી રીતે જયેશ રાદડિયા માટે આપ્યું હતુ. તેમણે હાર પાછળ કારણો મુદ્દે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવા કહ્યું હતુ.

પરિણામ બાદ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, વિજય સખીયા અને નીતિન ચોવટીયા ભાજપના કાર્યકર નથી. તેમના વિરુધ્ધ કાર્યવાહી કરીશું.

રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘમાં કુલ 15 બેઠક પૈકી 5 બેઠક પર ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. 

ચૂંટણી અગાઉ અશ્વિન લીંબાસીયા, લક્ષ્મણ પરસાણા, પરસોતમ પડાયા, કરસન ડાંગર, નીતિન ઢાકેચા, સંજય અમરેલીયા, મનસુખ સરધારા, નરેન્દ્રાસિંહ જાડેજા, છગન પટોરીયા તથા રઘુવીરાસિંહ જાડેજા બિનહરિફ થઇ ગયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક