AMNSનું 25 મિલિયન ટન ક્ષમતાનું પ્લાન્ટનું
વિઝન ; વાઇબ્રન્ટ ગુજરાત-2027 પહેલાં મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે મહત્ત્વની
બેઠકો
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા.3 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
મુંબઈ ખાતે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. ગુજરાતમાં
નવા રોકાણ અને ઉદ્યોગોના વિસ્તરણ અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.
મહિન્દ્રા
ગ્રુપના આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ અંગે તેમની પ્રથમ મહત્ત્વની
બેઠક નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતમાં ભવિષ્યના
રોકાણ અંગે ચર્ચા કરીને આનંદ થયો છે. મહિન્દ્રા ગ્રુપ સાથે ઇવી અને ગિફ્ટ સિટી ક્ષેત્રે
તકો અંગે ચર્ચા થઈ હતી. સ્વાન કોર્પોરેશનના એમડી નિખિલ મર્ચન્ટે ગુજરાતમાં કંપનીનાં
વિસ્તરણ અને આધુનિકીકરણની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. આંતરરાષ્ટ્રીય વ્યવસાય માટે વધુ
સારી કનેક્ટિવિટી અને એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પણ રજૂ કરી હતી. વેલ્સપન
ઇન્ડિયાના સીઈઓ દીપાલી ગોએન્કાએ ગુજરાતના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમનો લાભ લઈ નવા રોકાણ
અને વિસ્તરણની તકો અંગે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. હિન્ડાલ્કોના એમડી સતિષ પાઈએ
કોપર રિસાયક્લિગ અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરી હતી. ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ
પ્લાન્ટના ઉદ્ઘાટન અંગે પણ વિચારણા થઈ હતી. દરમિયાન, એએમએનએસના સીઇઓ અમિત હરલાલકાએ
ગુજરાતમાં 25 મિલિયન ટન ક્ષમતાનો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાનું વિઝન
રજૂ કર્યું છે. કંપની જૂન સુધીમાં રૂ.80,000 કરોડનું રોકાણ પૂર્ણ કરશે અને હજીરામાં
વધુ રૂ.10,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.