• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

આજે દ્વારકાધીશ મંદિરમાં ઉજવાશે શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ

ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક : દ્વારિકા નગરી કૃષ્ણમય બની

સૌરાષ્ટ્રમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રા, મટકીફોડ સહિતના કાર્યક્રમો

દ્વારકા, તા. 3: આવતીકાલ તા.4 સપ્ટેમ્બર ને શ્રાવણ વદ અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાના દ્વારકાધીશ ત્રૈલોક્યસુંદર મંદિરમાં 5253મા શ્રીકૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરાશે. જન્માષ્ટમીના તહેવારોમાં સમગ્ર નગરી કૃષ્ણમય બની છે.

 જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે ઠાકોરજીને નિજ મંદિર ખુલતા જ સૌપ્રથમ દાતણ અર્પણ કરવામાં આવે છે. ત્યાર બાદ ઠાકોરજીને માખણ મીસરીનો મંગલ ભોગ ધરાવવામાં આવે છે. મંગલા ભોગ અર્પણ કરાયા બાદ મંગલા આરતી કરવામાં આવે છે. મંગલા આરતી પછી સવારે 8 વાગ્યે ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવે છે. સદીઓથી પરંપરા મુજબ જન્માષ્ટમી અને જલજાત્રાના જ દિવસે ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે જેનો લાભ ભાવિકોને થાય છે. જેમાં ઠાકોરજીને મંદિરની ગૌશાળામાંની ગાયોનું 11 લીટર દૂધથી અભિષેક થાય છે. શ્રીસુક્તમ તથા પુરૂષસુક્તમના વૈદિક મંત્રોના પાઠના ઉચ્ચારણ સાથે દહીં, ઘી, કેસર, ગંગાજળ, ઋતુફળ વિવિધ દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે.   રાજભોગ બાદમાં ગાદી-તકીયાના બીછોનામાં સોનાના પાસાથી ચોપાટ રમાડાય છે.

ગોંડલ: ગોંડલના સંગ્રામાસિંહજી મેદાનમાં લોકમેળાની જમાવટ જામી છે. નગરપાલિકા સંચાલિત મેળામાં 7 દિવસ દરમિયાન અંદાજે 3 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે. મેળામાં પ્રથમવાર જલપરી, 2 ટોરા ટોરા, 3 નાવડી સહિત બાળકો માટે અંદાજે 70થી વધુ રાઈડ્સ, ખાણીપીણીના સ્ટોલે આકર્ષણ જમાવ્યું છે. બીજી તરફ રાંધણ છઠ્ઠની રાત સુધી વિવિધ રાઇડ્સને મંજુરી મળી નહતી જ્યારે સાતમની સવારે 14 મોટી અને 5 નાની રાઇડ્સને મંજૂરી મળતા ધંધાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

બગસરા: જન્માષ્ટમી નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા ભરવાડ સમાજ વાડી ખાતે સવારે 8 વાગ્યેથી શરૂ કરી શહેરના મુખ્યમાર્ગ પર થઇ આપાગીગાના મંદિરે પહોંચશે. ત્યાંથી ભરવાડ સમાજની વાડીએ પૂર્ણાહુતી કરવામાં આવશે. ઓક્સિજન ગ્રુપ દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરાયું છે. 

મીઠાપુર: તાતા કેમિકલ્સ ડી.એ.વી. પબ્લિક સ્કૂલ ખાતે આસ્થા અને સંસ્કૃતિની થીમ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નાના નાના ભૂલકાઓએ ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની વિવિધ લીલાઓને પોતાની મનમોહક પ્રસ્તુતિ દ્વારા જીવંત કરી હતી. બાળકોએ આ તકે નૃત્ય રજૂ કર્યું હતું. 

ચલાલા: ચલાલામાં આવેલા જોગેવધામ ખાતે હિન્દુ સંસ્કૃતિ અને નાથ સંપ્રદાયની પરંપરા મુજબ સાતમના ઉગતા પોરે મંડપનો સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો. જોગેવધામ ખાતે રાત્રીના સમયે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરી શ્રી ક્રષ્ણના જન્મના વધામણા કરવામાં આવશે. તા.4થી 6 દરમિયાન જોગાબાપાના મંડપોત્સવ તથા કાનુડાના જન્મોત્સવના સાક્ષી બનવા લોકોને અનુરોધ કરાયો છે. 

પોરબંદર: શ્રી કૃષ્ણ સખા સુદામા લોકમેળાના આગલા દિવસે મોડી રાત્રે રાઇડ્સનું ચાકિંગ કર્યા બાદ અંતે મંજુરી આપવામાં આવી હતી. આજે સવારથી જ રાઇડ્સ શરૂ કરવામાં આવતા બાળકો સહિત લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધરમપુર નજીકના શ્રી રાજરાજેશ્વરી ત્રિપુરાદેવી તથા દશમહાવિદ્યા મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે. તા.4ના રાત્રે 9 વાગ્યે સંકીર્તન, 11:30 વાગ્યે ભાગવતજી પાઠ, રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, 12:30 વાગ્યે બાલકૃષ્ણ આરતી યોજાશે. તા.5ના નંદોત્સવ ઉજવાશે. જેમાં સવારે 9 વાગ્યે રાજોપચાર પૂજન, 10 વાગ્યે છપ્પન ભોગ સેવા, 10:30 વાગ્યે નંદોત્સવ એવં વધાઈ અને 11:30 વાગ્યે ઉત્સવ આરતી યોજાશે.   

તળાજા: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બેનર હેઠળ તળાજામાં ભગવાન બાલકૃષ્ણની નગરયાત્રા સમયે કાન્હાને વધાવવા મુખ્યમાર્ગો, ઈમારતોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. ઉગતા પોરના મેલડીમાતાના મંદિરે સવારે 8:30 વાગ્યે 101 મટકી બાંધવામાં આવશે. જે બાળકોના હસ્તે ફોડવામાં આવશે. સવારે 8:30 વાગ્યે વારાહી મંદિરે બાલકૃષ્ણ ભગવાનની પૂજા, આરતી બાદ નગરયાત્રાનો પ્રારંભ થશે. જેમાં સંસ્થાના સ્થાપક ડો. પ્રવીણ તોગડિયા સહિત સાધુ સંતો, વેપારીઓ, લોકો જોડાશે. રામજી મંદિરે જીવદયા રણભૂમિ ગ્રુપ દ્વારા 108 મટુકીઓ ફોડવામાં આવશે. ઉપરાંત કોદીયા ગામે યુવા ગ્રુપ આહીર સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવશે. તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે એક ધર્મસભાનું પણ આયોજન કરાયું છે. જેમાં ડો.પ્રવીણ તોગડિયા, માયાભાઈ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. 

જામનગર: ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજાનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20થી વધુ ફલોટસ સહિત હવાઈ ચોથી લઈને સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડના આયોજન કરાયા છે. તા.4ને શુક્રવારે સવારે 8:30 વાગ્યે ખીજડા મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જે શહેરના વિવિધ માર્ગો પર ફરશે. 

જૂનાગઢ: હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આકર્ષક ફલોટસ સાથે શહેરના યુવક મંડળો જોડાશે. શોભાયાત્રા બપોર બાદ ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. હાટકેશ્વર યુવક મંડળ દ્વારા આકર્ષક ફ્લોટ અને 70 ફૂટની ઉનની રંગોળી બનાવવામાં આવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બનશે. મોદી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને મટકી ફોડના કાર્યક્રમથી ઉજવાશે. 

રાજકોટ: ગીતા જ્ઞાન મંદિર ટ્રસ્ટ: ગોકુલ આઠમને તા.4ના સવારે 9થી 12 દરમિયાન શ્રીમદ્દ ભાગવત ગીતાના અઢાર અધ્યાયના પાઠપ્રફુલ્લાબેન વ્યાસ દ્વારા કરવામાં આવશે. બાદમાં રાજભોગ આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. રામેશ્વર મહાદેવ મંદિર: જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે. જાગૃત નાગરિક મંડળ અને મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે પરોઢથી રાત્રી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તા.4ના સવારે પ્રભાત ફેરી, ભગવાન શિવને રુદ્રાભિષેક, ષોડપ્રચાર પૂજા, ધ્વજારોહણ, મહાઆરતી, સાંજે સત્સંગ યોજાશે. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે. સાંજે 5 વાગ્યે ભજન-ધૂન, સત્સંગ તેમજ રાત્રે રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિ પ્રેરક માનવ કલ્યાણ ટ્રસ્ટ: ટ્રસ્ટ દ્વારા રોઝરી સ્કુલ પરિવાર સાથે મળીને જન્માષ્ટમી નિમિત્તે 210 જરૂરિયાતમંદ પરિવારને ખાદ્ય ચીજોનું વિતરણ કરાશે જ્યારે કોઠારિયા કોલીનીના કોટેશ્વર મહાદેવ મંદિરે મહિલા સત્સંગ મંડળ દ્વારા ધૂન-ભજન, અબીલ-ગુલાલ સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવામાં આવશે. રાત્રે 12 વાગ્યે 108 દીપમાળાની ઓમકાર મહાઆરતી યોજાશે. ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. રાત્રે રાસ-ગરબા તેમજ કાન-ગોપી રાસ રજૂ કરાશે.

ભાવનગર: ગીતા ચોક ખાતે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ 19માં જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવને લઈને સમગ્ર ગીતા ચોક અને આસપાસના વિસ્તારમાં ચિત્તાકર્ષક સુશોભન અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. મહોત્સવના પ્રથમ દિવસે ગુરૂવારે રાત્રે 9 કલાકે બાળકો અને યુવાનો માટે બુગીવુગી ડાન્સ સ્પર્ધા, શુક્રવારે બપોરે 4 કલાકે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા ગીતાચોકથી પ્રારંભ થઈ જૈન દેરાસર, મહિલા કોલેજ, ડાયમંડ ચોક અને ડોન ચોક જેવા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રાત્રે 8-30 કલાકે પુન: ગીતા ચોક ખાતે સંપન્ન થશે.

શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ મટકી ફોડ સ્પર્ધા બની રહેશે. નિર્ધારિત રૂટ પર આશરે 15 જેટલી મટકીઓ ઊંચાઈ પર બાંધવામાં આવશે. જેને ફોડવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા 25-25 યુવાનોના 15 અલગ અલગ ગોવિંદા ગ્રુપ ભાગ લેશે. શોભાયાત્રા પરત ફર્યા બાદ ગીતાચોક ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે અને રાત્રીના 12 કલાકે મહાઆરતી અને આતશબાજી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક