રૂબિયોએ
ઈરાનને મદદ કરતા દેશો ઉપર પ્રતિબંધની આપી ધમકી
નવી
દિલ્હી, તા. 3 : અમેરિકા ઈરાન અને ભારતની મુલાકાતથી ડરેલું હોય તેવા સંકેત મળી રહ્યા
છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાની મુલાકાત અમેરિકાને
પસંદ આવી નથી. એસસીઓ સમીટ દરમિયાન મળેલી બેઠક બાદ અમેરિકાએ ઈરાન સાથે કારોબાર કરવાની
કોશિશ કરી રહેલા દેશોને ધમકાવવાની કોશિશ કરી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ
એક નિવેદનમાં કહ્યું હતું કે, જો કોઈપણ દેશ ઈરાનને અમેરિકી પ્રતિબંધોથી બચવા અથવા તો
કમાણીના નવા રસ્તા શોધવામાં મદદ કરશે તો અમેરિકા તેના ઉપર પણ પ્રતિબંધ લાદશે.
એક કાર્યક્રમ
દરમિયાન માર્કો રૂબિયોએ કહ્યું હતું કે, તેઓને નથી લાગતું કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ નવી
વેપાર સમજૂતી થઈ રહી છે. રૂબિયોએ આ દરમિયાન માન્યું હતું કે, ભારત એક સંપ્રભુ
દેશ છે અને તેને પોતાની વિદેશ નીતિ નક્કી કરવા
અને રાજદ્વારી સંબંધ જાળવી રાખવાનો અધિકાર છે. જો કે ઈરાનને મદદ પહોંચાડવાની કોશિશ
કરવામાં ન આવે. રૂબિયોએ કહ્યું હતું કે, ભારત પોતાની વિદેશી નીતિ નક્કી કરે છે પણ અમેરિકાની
ચિંતા છે કે કોઈપણ દેશ ઈરાનને અમેરિકી પ્રતિબંધોથી બચવામાં મદદ ન કરે. રૂબિયોએ આગળ
ચેતવણી આપતા કહ્યું હતું કે, જો કોઈ દેશ ઈરાનને મદદ કરશે તો તેના ઉપર પણ પ્રતિબંધ મુકવામાં
આવશે.
રૂબિયોએ
કહ્યું હતું કે, ટ્રમ્પ આ મામલે એકદમ સ્પષ્ટ વલણ ધરાવે છે કે કોઈપણ દેશે ઈરાનને પ્રતિબંધથી
બચવામાં મદદ કરવી જોઈએ નહી. એવી કોઈપણ મદદ ન થવી જોઈએ જેનાથી ઈરાન પરમાણુ હથિયાર બનાવી
શકે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન
વચ્ચે મુલાકાત દરમિયાન ઈરાન સાથે ભારતની લાંબા સમયથી ચાલી આવતી મિત્રતાને મજબૂત કરવા
પ્રતિબદ્ધતા બતાવી હતી અને ભારત બન્ને દેશ વચ્ચેના વેપારને વધારવા અને તેમાં વિવિધતા
લાવવા ઈચ્છે છે તેમ કહ્યું હતું.