ફ્લેટ કે મકાનના બ્રોશર માત્ર
માર્કેટિંગ નહીં, પણ ‘વચન’ છે
નવી દિલ્હી, તા. 3 : દેશભરમાં
ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા ચળકતા બ્રોશરમાં લક્ઝરિયસ સુવિધાઓ, વિશાળ
રસ્તાઓ અને ગાર્ડનના મોટા-મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ પઝેશન વખતે ખરીદદારોને
ઘણી વખત તમામ સુવિધાઓ આપવામાં આવતી નથી. આવા જ એક ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે રિયલ
એસ્ટેટ ડેવલપર્સને ચેતવણી આપી છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે
કે, ડેવલપર્સ પ્રોજેક્ટ બ્રોશરમાં ગ્રાહકોને વાયદા કરીને પાછળથી તેને માત્ર ‘માર્કાટિંગ
ક્લેઇમ’ ગણાવીને હાથ ખંખેરી શકે નહીં. જો કોઈ ચોક્કસ પ્લાન, નકશા અને સુવિધાઓ દર્શાવીને
પ્રોજેક્ટ વેચવામાં આવ્યો હોય, તો બિલ્ડરે તે તમામ વચનો જમીન પર પૂરા કરવા જ પડશે.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ
અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠ ગુરુગ્રામના સેક્ટર 82અ સ્થિત ઉકિ હોમ ડેવલપર્સના
‘ધ પ્રાઇમસ’ હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિવાદની સુનાવણી કરી રહી હતી. આ પ્રોજેક્ટના
મૂળ પ્લાનમાં 24 મીટર પહોળો એપ્રોચ રોડ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, આ રસ્તો વચન
મુજબ બનાવવામાં આવ્યો નથી. ખંડપીઠે ચેતવણી આપી હતી કે, જો પ્રોજેક્ટને મૂળ બ્રોશર અને
નકશા મુજબ સુધારવામાં નહીં આવે તો કોર્ટ આકરા આદેશો આપશે. સુપ્રીમ કોર્ટે અગાઉ CBIને આ રસ્તા અને અન્ય ફરિયાદોની
પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.