• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

વડાપ્રધાન મોદીના 25 વર્ષના જાહેર જીવનની ઉજવણી થશે

ભાજપે તૈયારી શરૂ કરી; પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રભારી તરુણ ચૂગની ઉપસ્થિતિમાં 11 મુદ્દા પર વર્કશોપ યોજાયો

 (અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.2 : ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત ટાઉનહોલ ખાતે ભાજપ દ્વારા મહત્ત્વની બેઠક અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીના 25 વર્ષના જાહેર જીવન અને દેશસેવાની ઉજવણીને લઈને આ બેઠક યોજાઈ હતી. ટાઉનહોલના પ્રવેશ દ્વારમાં મગ, ચોખા, ઘઉં અને દાળથી નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રભારી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાત આવી પહોંચેલા તરુણ ચૂગની હાજરીમાં યોજાયેલા વર્કશોપમાં આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.  વર્કશોપમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

            વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજનને લઈને પણ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમો યોજી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વર્કશોપમાં કુલ 11 જેટલા મહત્ત્વના મુદ્દાઓને લઈને સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભાજપના યુવા કાર્યકર્તાઓ બાઈક પર વડનગરથી કાશી જશે

ભાજપ દ્વારા યુવા કાર્યકર્તાઓને જોડીને વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવા કાર્યકર્તાઓ બાઈક રેલીના માધ્યમથી વડનગરથી કાશી એટલે કે વારાણસી સુધી જશે. ત્યાંથી ગંગાજળ લઈને કાર્યકર્તાઓ ફરી વડનગર પહોંચશે. વડનગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અને વારાણસીને તેમની કર્મભૂમિ તરીકે જોડીને આ કાર્યક્રમ યોજાશે. વડનગર ખાતે ગંગાજળ સાથે પરત ફરેલા કાર્યકર્તાઓ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે. સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન અને દેશસેવાને લોકો સુધી પહોંચાડવાનો તેમજ સંગઠનના કાર્યકર્તાઓને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડવાનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક