નવી દિલ્હી, તા. 3 : કેન્દ્રીય
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના તમામ રાજ્યોની સરકારોને ખાનગી
ટુ-વ્હીલર વાહનો દ્વારા બાઇક ટેક્સી સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવા માટે ખાસ અપીલ કરી
છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો તમામ રાજ્યો આ સેવાને લીલીઝંડી આપી દે, તો દેશભરમાં
અંદાજે 8 કરોડ લોકોને રોજગારી અને આજીવિકાની નવી તકો મળી શકે છે. આ સાથે જ ટ્રાફિક
નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે મોટર વાહન અધિનિયમમાં
સુધારો કરીને નવો કાયદો લાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા
ખાનગી ટુ-વ્હીલર વાહનો-જેમ કે સ્કૂટર અને મોટરસાઈકલને મુસાફરોની હેરફેર માટે વાપરવાની
મંજૂરી આપવામાં આવી ચૂકી છે, પરંતુ ભારતીય બંધારણ મુજબ ટ્રાન્સપોર્ટ એ રાજ્ય સરકારોનો
વિષય હોવાથી કેટલાક રાજ્યો હજુ પણ પોતાના વિસ્તારોમાં બાઇક ટેક્સીને કાયદેસર મંજૂરી
આપી રહ્યા નથી.