• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

બેંગકોકથી આવેલા દંપતી પાસેથી 1.9 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

- અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની કાર્યવાહી દરમિયાન ટ્રોલી બેગમાંથી 1.928 કિલો નશીલો પદાર્થ મળ્યો

 (અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.2 : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી હતી. બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઇટ નં. ટીજી-343 મારફતે અમદાવાદ આવેલા એક દંપતી પાસેથી રૂ.1.9 કરોડની અંદાજિત કિંમતનો 1.928 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં દંપતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

એરપોર્ટ પર થાઈ એરવેઝના મુસાફરોનું પેસેન્જર પ્રોફાઇલિંગ અને એક્સ-રે સ્કાનિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન એઆઈયુના અધિકારીઓને બે મુસાફરોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાવી સામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી વેક્યૂમ-સીલ કરેલા 10 પેકેટ મળી આવ્યા હતા. પેકેટો ખોલીને તપાસ કરતાં કુલ 1,928 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગે એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ આ જથ્થો જપ્ત કર્યો છે. દંપતી આ નશીલો જથ્થો ક્યાંથી લાવ્યું હતું અને દાણચોરીના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે કસ્ટમ્સ વિભાગે તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક