- દસ-પંદર દિવસમાં વરસાદ ન પડે તો અત્યારનું ઉજળું ચિત્ર બગડી જશે ઃ જગતાતમાં ચિંતા, આગાહીઓ ખોટી પડી
રાજકોટ, જૂનાગઢ, તા.29 (ફૂલછાબ
ન્યૂઝ) ઃ ચોમાસાનો આરંભ કંગાળ રહ્યા પછી લગભગ એક મહિનાના અંતરાલથી વરસાદ નામેઠામે નહીં હોવાથી જગતાતમાં ચિંતા વ્યાપી છે. નવી નવી આગાહીઓ થાય અને દિવસો પસાર થતા જાય છે, એવામાં 75 ટકા ચોમાસું પૂરું થઇ ગયું છે. હજુ વરસાદના સંકેત નથી. મગફળી, કપાસ, સોયાબીન અને કઠોળ સહિતના પાક જોખમ હેઠળ આવી ગયા છે, વરસાદ સપ્તાહમાં ન પડે તો પાક ફેઇલ થઇ જવાનો ભય ખેડૂતોએ દર્શાવ્યો હતો.
અનેક આગાહીઓ રોજ થાય છે, એકપણ આગાહી ખરી ન ઉતરતી હોવાથી આગાહી કારો અને હવામાન વિભાગ પરત્વે લોકોનો વિશ્વાસ ડગી ગયો છે. આજે આવશે, કાલે આવશે એવા વિચારોમાં જ દિવસો નીકળતા જાય છે.
સોરઠ પંથક મગફળીનું ઘર કહેવાય છે, જ્યાં પહેલેથી વરસાદ ઓછાં છે અને સિંચાઇના પાણીની વ્યવસ્થા નથી એટલે ખેડૂતો ચિંતાતુર છે. અઠવાડિયામાં વરસાદ ન પડે તો મગફળીનો પાક ફેલ થઈ જશે તેમ જગતાત જણાવી રહ્યા છે.
આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા છેલ્લાં દોઢેક માસથી વારંવાર આગાહી કરવામાં આવી હતી પરંતુ વરસાદ નહીં પડતા કુમળી મોલાતો પાણીના અભાવે સુકાવા લાગી છે. અઠવાડિયામાં વરસાદ ન પડે તો ખરીફ મોલાતો સુકાઈ જવાની પૂરી શક્યતા છે. જૂનાગઢ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ બાદ છેલ્લા દોઢ માંસથી વરસાદ નહીં પડતા મોલાતો હવે મૂરઝાવા લાગી છે. ખેતરોમાં મગફળી ના પાક સામે હવે જોઈ શકાય તેમ નથી. છેલ્લા બે દિવસથી તડકો અને સુસવાટા મારતા પવનને કારણે મગફળી સહિતનો પાક સુકાવા લાગ્યો છે. પરિણામે ખેડૂતોને બિયારણ, ખાતર અને મજૂરી માથે પડી છે.
રાજકોટના ખેડૂત રમેશ ભોરણિયા કહે છે, મગફળી અને કપાસના પાકમાં અત્યારે બધું સારું દેખાય છે પણ દસ પંદર દિવસમાં ચિત્ર બદલાઇ જતાં વાર લાગે એવું નથી. આગોતરા કપાસ બજારમાં આવે છે અને આગોતરી મગફળી તૈયાર થવામાં છે. મગફળીના પાકમાં ક્યાંક ક્યાંક કુદરતી કારણોસર પીળીયો-સૂકારો આવી જતા ખાસ્સો બગાડ થયો છે. કપાસ પ્રમાણમાં મજબૂત પાક છે પણ હવે પાણીની જરૂર તમામ પાકોને છે. વરસાદ વિના ખેડૂતો ડ્રીપ કે ઓછાં પાણીએ ગાડું ગબડાવે છે પણ સાર્વત્રિક ભલે થોડો વરસાદ પડે તો પણ ઘણો ફાયદો મળશે.
રાજ્ય સરકાર દ્વારા સૌની યોજનાથી ડેમોને ભરવા માટેની યોજના છે પરંતુ જે વિસ્તારમાં રાજકીય લોકોનું વર્ચસ્વ છે. તેવા વિસ્તારોમાં જ નર્મદાનું પાણી પહોંચ્યું હોવાની વ્યાપક ચર્ચા છે. મોટાભાગનો વિસ્તાર સૂકો ભઠ્ઠ છે. સિંચાઈની સુવિધા નથી ત્યાં ખેડૂતો હવે માથે હાથ દઈ બેઠા છે હજુ વરસાદ આવે તેવા કોઈ એંધાણ વર્તાતા નથી.
સૌરાષ્ટ્રના આગાહીકારોએ વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં
12 આની વર્ષની ધારણા કરી હતી. વરસાદની તારીખો જાહેર કરાય હતી તે મોટાભાગની ખોટી ફરી છે. એટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પણ વરસાદ વિહોણી પસાર થઈ છે.પરિણામે હવે ખેડૂતો અને લોકોનો આગાહીકારો અને હવામાન વિભાગ પરથી વિશ્વાસ ડગી ગયો છે.
સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં હજુ કોઈક સ્થળે વાવણી જેવો વરસાદ પણ થયો નથી. અને જ્યાં થોડો ઘણો વરસાદ થયો તેમાં ખેડૂતોએ આગાહીને ધ્યાનમાં રાખી વાવેતર કરેલું પરંતુ તેના ઉપર વરસાદ નહીં પડતા આ કુમળી મોલાતો મુરઝાવા લાગી છે. અને પીવાના પાણી તથા પશુઓ માટેના ઘાસચારાની મોટી સમસ્યા પડકારરૂપ બની છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ માસથી વરસાદ નહીં પડતા મોટાભાગના જળાશયો ખાલી ખમ જેવા થયા છે. કુવા, બોરના તડ ઊંડા ઉતરી ગયા છે. આગામી સમયમાં સર્વત્ર પીવાના પાણીનો પોકાર ઉઠશે તેમ જ પશુધનને બચાવવું પણ પશુપાલકો માટે પડકારરૂપ બન્યું છે ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ઘાસચારો અને પીવાના પાણીનુ આગોતરો આયોજન કરવાની જરૂર છે.