દોરડાથી ગળાફાંસો આપી શરણાઈ વગાડવા મજબૂર કર્યો : ઉધરસ આવતા માર માર્યો, પથ્થરથી હત્યાની પણ કોશિશ
પોરબંદર, તા. 29 : વિસાવાડા ગામે
ધાર્મિક કાર્યક્રમમાં શરણાઈ વગાડવા ગયેલા પોરબંદરના 55 વર્ષીય શરણાઈવાદક ફિરોજભાઈ ઈબ્રાહીમભાઈ
રાઠોડનું બે શખ્સોએ અપહરણ કરી બેફામ માર માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે
મિયાણી મરીન પોલીસે હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
છે.
ફિરોજભાઈ વિસાવાડા ગામે રામદેવપીરના
મંદિરે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં શરણાઈ વગાડવા ગયા હતા. કાર્યક્રમ શરૂ થવાનો હોવાથી
તેઓ ગામના ચોકમાં આવેલી પાનની દુકાને ગયા હતા. ત્યાં ખોડા સાજણ કેશવાલા અને નાગાજણ
કારા ઓડેદરા મળ્યા હતા. બંનેએ તેમને શરણાઈ વગાડવા મજબૂર કર્યા હતા. ફરિયાદ મુજબ, ફિરોજભાઈએ
શરણાઈ વગાડવાનું બંધ કરતાં નાગાજણે તેમના ગળામાં દોરડું નાખી ફાંસો આપ્યો હતો અને શરણાઈ
વગાડવા દબાણ કર્યું હતું. ત્યારબાદ બંને તેમને બાઇક પર બેસાડી ગામની બહાર કેનાલ પાસે
લઈ ગયા હતા. ત્યાં પણ શરણાઈ વગાડવાનું બંધ કરતાં બંનેએ લાકડાં-મુક્કા અને લાતોથી માર
માર્યો હતો. માર મારતા ફિરોજભાઈની દાઢમાંથી લોહી નીકળ્યું હતું. બાદમાં નાગાજણે પથ્થર
વડે માથામાં મારવાની કોશિશ કરી હતી. જોકે, ફિરોજભાઈ બાવળની ઝાડીમાં છુપાઈ જતા તેમનો
જીવ બચ્યો હતો. બાદમાં પરિવારજનોની મદદથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે
બંને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.