ક્ષ લાપતા બનેલા લોકોમાં બે અમેરિકા અને બે કેનેડાનું સ્થાયી નાગરિકત્વ ધરાવતા ગુજરાતીઓ
નવી દિલ્હી, તા. 29 ઃ નેપાળ-િતબેટ સરહદે સર્જાયેલી કુદરતી હોનારત અને વિનાશક પૂરના કારણે કૈલાસ માનસરોવર યાત્રા તથા પ્રવાસે ગયેલા ભારતીયો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નેપાળ પૂર પ્રકોપમાં સંપર્ક વિહોણા થયેલા લોકોનો કુલ આંકડો 150થી વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ દરમિયાન ગુજરાતના વધુ આઠ પ્રવાસીઓ લાપતા બન્યા છે. આ સાથે જ નેપાળમાં ગુમ થયેલા કુલ ગુજરાતીઓનો આંકડો વધીને 24 પર પહોંચી ગયો છે. આપત્તિના આ સમાચાર મળતા જ પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. રાજ્ય સરકાર આ મામલે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુમ થયેલા પ્રવાસીઓ નેપાળ-ચીન સરહદ નજીક પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક જળપ્રલયની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના કારણે ટેલિફોન અને ઈન્ટરનેટ નેટવર્ક સંપૂર્ણ ઠપ થઈ જતાં પરિવારજનોનો તેમના સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ ઘટનામાં એક નવો વળાંક એ આવ્યો છે કે, સંપર્કવિહોણાં ગુજરાતીઓમાં બિનનિવાસી ભારતીય હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, લાપતા બનેલા લોકોમાં બે અમેરિકા અને બે કેનેડાના સ્થાયી વતની છે, જેઓ નેપાળ પ્રવાસે આવ્યા હતા. વિદેશી નાગરિકત્વ ધરાવતા ગુજરાતીઓની સલામતી માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિગતો મેળવવામાં આવી રહી છે.
ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. નેપાળ પ્રવાસે ગયેલા વલસાડના રોમાબહેન ઈંટવાળા નેપાળમાં સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. વલસાડના મામલતદારે રોમાબહેન સાથે સંપર્ક સાધીને તેઓ સુરક્ષિત હોવાની પષ્ટિ કરી છે, જેથી તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.