• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

જામનગરના બિલ્ડરના આપઘાત કેસમાં અંતે દોઢ વર્ષ બાદ 11 વ્યાજખોર સામે ફરિયાદ

153 કરોડની 28 મિલકત પચાવી પાડતા બિલ્ડરે આત્મહત્યા કરી લીધી’તી

અમદાવાદ, તા.28: જામનગરના બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં આખરે દોઢ વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. બિલ્ડરે આપઘાત કર્યાના આશરે દોઢ વર્ષ બાદ જામનગરના 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 153 કરોડની 28 મિલકત વ્યાજખોરોએ પચાવી પાડતા આપઘાત કરી લીધો હતો.

જાણવા મળતી વિગત મુજબ જાન્યુઆરી 2025માં બિલ્ડર મેરામણ પરમારની મિલકત પચાવી પાડવામાં આવતા તેણે આપઘાત કરી લીધો હતો. ઘટનાના આશરે 10 દિવસ બાદ તેમના નિવાસસ્થાનેથી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં નાણાકીય વ્યવહારો અને વ્યાજની વસૂલાત અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આક્ષેપ મુજબ, મેરામણ પરમારે  વ્યાજે નાણાં લીધા હતા અને તેની સામે કરોડો રૂપિયાની રકમ ચૂકવી હોવાનું જણાવાયું હતું. તેમ છતાં વ્યાજની પઠાણી વસૂલાત કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો. મૃતકના પરિવારજનોના આક્ષેપ પ્રમાણે કરોડો રૂપિયાના વ્યાજની વસૂલાત માટે તેમની મિલકત પડાવી લેવાના પ્રયાસો અને દબાણને કારણે મેરામણ પરમાર માનસિક રીતે પરેશાન હતા. અંતે તેમણે આ પરિસ્થિતિથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્યૂસાઈડ નોટ સામે આવ્યા બાદ સમગ્ર મામલે તપાસની માગ ઉઠી હતી. હવે લાંબા સમય બાદ 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે.

આ બનાવ અંગે મૃતકના પુત્ર દેવ પરમાર (રહે. બોડકદેવ, અમદાવાદ) દ્વારા દોઢ વર્ષ બાદ પિતાના આઘાત કેસમાં અડાલજ પોલીસ મથકે ફરિયાદમાં કરવામાં આવી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગરના જ વાઢેર અને દોમડિયા પરિવારના 11 શખસે રૂ. 153 કરોડથી વધુની કિંમત ધરાવતી 28 જેટલી મિલકતો સિક્યુરિટીના નામે હડપ કરી લીધી હતી. મુખ્ય આરોપી ભીખુભા હરાસિંહ વાઢેર, ધવલાસિંહ વાઢેર ઉપરાંત વિરેન્દ્રાસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રાસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રાસિંહ વાઢેર, કશ્મીરાબા ધવલાસિંહ વાઢેર, પ્રવિણાબાદ શૈલેન્દ્રાસિંહ વાઢેર, પ્રવિણ લક્ષ્મણભાઈ દોમડિયા, કાંતાબેન પ્રવીણ દોમડિયા અને વિશાલ પ્રવિણ દોમડિયા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક