પૂરમાં તબાહ નેપાળમાં હજી પણ 3000 લાપતા ઃ વિદેશી નાગરિકો સહિત 2,465ને ઉગારી લેવાયા
નવી દિલ્હી, તા.29ઃ નેપાળમાં વિનાશક પૂર બાદ તબાહીના દૃશ્યો સતત ગંભીર બની રહ્યા છે. જેમાં આજે વધુ સંખ્યાબંધ મૃતદેહો મળી આવ્યા બાદ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 626 થઈ ગઈ છે. જ્યારે આશરે 3,000થી વધુ લોકો હજુ પણ ગુમ છે. બીજી તરફ, બચાવ ટુકડીઓએ અભિયાનના ચોથા દિવસે આશરે 2,500 લોકોને
સુરક્ષિત બહાર કાઢ્યા છે. તેમાં 163 વિદેશી
નાગરિકો પણ સામેલ છે.
નેપાળના આઠ જિલ્લાઓમાંથી અત્યાર સુધી મૃતદેહો મળી આવ્યા છે. તેમાં ચિતવનમાંથી 233, નવાલપરાસી
પૂર્વમાંથી 158, નુવાકોટમાંથી
51, ગોરખામાંથી 48, નવાલપરાસી
પશ્ચિમમાંથી 47, ધાદિંગમાંથી
45, તનહુમાંથી 31 અને રસુવામાંથી 13 મૃતદેહ
સામેલ છે.
બુધવારે રસુવા અને મધ્ય નેપાળના અન્ય વિસ્તારોમાં અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. પૂરનાં કારણે મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે વસાહતો, રસ્તાઓ, પુલો અને જળવિદ્યુત પરિયોજનાઓના માળખાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આશરે 2,000 લોકો
હજુ પણ ગુમ હોવાની માહિતી છે. નેપાળમાં ચાલી રહેલા શોધ અને બચાવ અભિયાન હેઠળ સુરક્ષા દળોએ અત્યાર સુધી 163 વિદેશી
નાગરિકો સહિત કુલ 2,465 લોકોને
સુરક્ષિત બહાર કાઢ્યા છે. બચાવવામાં આવેલા વિદેશી નાગરિકોમાં 113 ભારતીય,
26 ચીની, 15 દક્ષિણ
કોરિયન, ચાર જર્મન, ઇટાલી અને અમેરિકાના બે-બે તથા ઓમાનના એક નાગરિકનો સમાવેશ થાય છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે નેપાળ સેનાના 5,000થી વધુ જવાનો સહિત 11,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નેપાળ સેનાના જણાવ્યા અનુસાર, ત્રિશૂલી અને રસુવા વિસ્તારની વિવિધ જળવિદ્યુત પરિયોજનાઓની સુરંગોમાંથી 191 શ્રમિકને
સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી 2,265 લોકોને
હેલિકોપ્ટર દ્વારા અને 200 લોકોને
માર્ગ મારફતે સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લાવવામાં આવેલા લોકોને ધુંચે અને ત્રિશૂલીમાં બનાવવામાં આવેલા કટોકટીના આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સારવાર પણ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1,706 લોકોની
સારવાર કરવામાં આવી છે. આ દરમિયાન નેપાળ પોલીસે જણાવ્યું કે રાજધાની કાઠમંડુને દેશના અન્ય વિસ્તારો સાથે જોડતો મુખ્ય મુગાલિંગ-કાઠમંડુ હાઈવે શનિવારે ફરી ખોલવામાં આવ્યો છે. પૂર અને ભૂસ્ખલનના જોખમને કારણે આ માર્ગ બુધવારથી બંધ હતો. પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ હાઈવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વાહનોને ધીમે-ધીમે તેમના ગંતવ્ય તરફ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આથી ઘણા દિવસોથી રસ્તા પર ફસાયેલા મુસાફરોને મોટી રાહત મળી છે.
શુક્રવારે ચેતવણી આપી હતી કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાને કારણે ફરી એકવાર પૂર આવવાનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં રાહત અને બચાવ ટીમો સામેનો પડકાર હજુ સમાપ્ત થયો નથી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આપત્તિ વચ્ચે નેપાળના વડાપ્રધાન આપત્તિ રાહત કોષમાં પણ મોટી માત્રામાં સહાય રકમ પહોંચી રહી છે. શુક્રવારની રાત સુધીમાં કોષમાં 2.295 અબજથી
વધુ નેપાળી રૂપિયા જમા થઈ ચૂક્યા હતા.