દિલ્હીના દલાલ અને ગુરુગ્રામની રીસાયક્લિંગ પેઢીના માલિક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ
જામનગર, તા. 28: જામનગરના એલ્યુમિનિયમ
વેપારીને ક્રેપ વેચવાના બહાને વિશ્વાસમાં લઈ રૂ.24,78,514 બેંક મારફતે ટ્રાન્સફર કરાવી
લીધા બાદ એલ્યુમિનિયમ ક્રેપ કે નાણાં પરત નહીં આપી છેતરાપિંડી કર્યાની ફરિયાદ જામનગર
સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે દિલ્હીના પંકજભાઈ ત્યાગી અને ગુરુગ્રામ,
હરિયાણાની ત્રીદેવ રીસાયકલીંગ પેઢીના માલિક ટોની બજાજ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
છે.
જામનગરમાં ઓસિયનીક એલ્યુમિનિયમ
ઇન્ડસ્ટ્રી ચલાવતા 27 વર્ષીય હર્ષભાઈ પરેશભાઈ વેકરીયાએ ફરિયાદમાં જણાવ્યું કે, એલ્યુમિનિયમ
ઉત્પાદન માટે કાચો માલ ખરીદવા તેઓ ઓનલાઈન વેપારીઓ અને દલાલોનો સંપર્ક કરતા હતા. દરમિયાન
ઈન્સ્ટાગ્રામ પર ત્રીદેવ રીસાયકલીંગની જાહેરાત જોઈ પંકજભાઈ ત્યાગીનો સંપર્ક થયો હતો.
પંકજભાઈએ પોતે એલ્યુમિનિયમ ક્રેપની
દલાલી કરતા હોવાનું કહી પેઢીના માલિક ટોની બજાજનો નંબર આપ્યો હતો. ભાવતાલ બાદ 7 ટન
75 કિલો ક્રેપ ખરીદવાનું નક્કી થયું હતું. આરોપીઓએ ટ્રક, વે-િબ્રજની રસીદ, બિલ તેમજ
ક્રેપના ફોટા-િવડિયો મોકલી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ 22 જુલાઈએ રૂ.10 લાખ અને
બીજા દિવસે રૂ.14,78,514 આરટીજીએસથી ટ્રાન્સફર કરાવ્યા હતા. રકમ મળ્યા બાદ માલ મોકલવામાં
વિલંબ થયો હતો. આરોપીઓએ માલ મોકલવા અથવા નાણાં પરત કરવાની ખાતરી આપી છતાં બંનેમાંથી
કશું થયું નહીં. વેપારીએ અગાઉ 1930 હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. હવે પોલીસે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.