સ્ટેટ મોનિટારિંગ સેલે દિલ્હી પોલીસની મદદથી ઝડપેલા ત્રણેયને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ભાવનગર લાવવામાં આવશે : આરોપીઓનો આંકડો 31 પર પહોંચ્યો
ભાવનગર,
તા.28 : ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ ચલાવી રહયો છે. નકલી દારૂ
બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવા સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમો કામે લાગી
છે ત્યારે તપાસ એજન્સીને આ મામલે મોટી સફળતા મળી છે. ઝેરી દારૂ બનાવવા માટે દિલ્હીથી
અમદાવાદ સુધી મિથેનોલ સપ્લાય કરનારા ત્રણ શખસને એસએમસીની ટીમે દિલ્હીથી ઝડપી લઈ ટ્રાન્ઝિસ્ટ
રિમાન્ડ મેળવી ભાવનગર લાવવા તજવીજ ચાલી રહી છે. આમ, ભાવનગર લઠ્ઠાકાંડમાં કુલ આરોપીઓનો
આંકડો 31 પર પહોંચ્યો છે.
ભાવનગરમાં
ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મૃત્યુની હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી
વ્યાપી ગઈ છે.
આ
દુર્ઘટનાને પગલે ગેરકાયદે દારૂના કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે સ્ટેટ મોનિટારિંગ
સેલની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસએમસીની 16 ટીમે આ મામલે દિલ્લી, મધ્યપ્રદેશ,
રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના જુદાં-જુદાં જિલ્લાઓમાં તપાસ આદરી હતી. આ કેસમાં
અત્યાર સુધી 28 આરોપીની ધરપકડ કરી એસએમસીએ રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ સપ્લાઈ ચેનના
મૂળ સુધી પહોંચવાની કડીમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સ્ટેટ મોનિટારિંગ સેલની
તપાસમાં દિલ્હીમાં રહેતા પ્રમોદકુમાર બુડાકોટી દ્વારા ઝેરી દારૂ બનાવવા મિથેનોલ દિલ્હીમાં
રહેતા રોહિત પ્રધાન તથા કેશવ જાટવને ગેરકાયદે રીતે સપ્લાય કરવામાં આવ્યું હોવાનું પ્રસ્થાપિત
થયું છે. રોહિત અને કેશવ દ્વારા અન્ય આરોપીઓ
મારફત ઝેરી દારૂ બનાવવાનો મિથેનોલ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન, અમદાવાદ સુધી પહોંચાડવામાં
આવ્યું હતું.
સ્ટેટ
મોનિટારિંગ સેલની ટીમે દિલ્હી પોલીસની મદદથી પ્રમોદ, રોહિત અને કેશવની ધરપકડ કરી ત્રણેયના
ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ભાવનગર લાવવા પ્રક્રિયા કરવામાં આવી છે. આમ, ભાવનગર લઠ્ઠાકાંડમાં
વધુ ત્રણ આરોપીઓ ઝડપાતા કુલ આરોપીઓ અને ઝડપાયેલા આરોપીઓને આંકડો 31 પર પહોંચ્યો છે.
નકલી દારૂ બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવાની દિશામાં પોલીસને મોટી સફળતા
મળી છે. બીજી તરફ આ મામલે ભાવનગર પોલીસની ભૂમિકાનો હિસાબ પણ થઈ રહ્યો છે.