• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

માણાવદરમાં મોબાઇલ વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો જમીન-પૈસાની લેવડદેવડ અને પ્રેમસંબંધની શંકા હત્યાનું કારણ બન્યાની પોલીસને આશંકા

માણાવદર, તા.28: માણાવદરમાં મોબાઇલ રિપારિંગ અને એસેસરીઝનો વ્યવસાય કરતા જસ્મીનભાઈ બેચરાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. હુમલામાં હાથ, પેટ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ દરમિયાન પ્રવીણ ગાંગાભાઈ બારૈયાને પણ ઈજાઓ થતાં તેમને માણાવદર સિવિલ હોસ્પિટલ બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને આઈ.સી.યુ.માં સારવાર માટે ખસેડાયા હતા. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવી એફએસએલની મદદથી ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું. આરોપી પ્રવીણ બારૈયા પણ સારવાર માટે એક સપ્તાહ જેટલો સમય હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. ડિસ્ચાર્જ થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મામલતદારની હાજરીમાં ઓળખ પરેડ પણ યોજાઈ હતી.

પોલીસ તપાસમાં ત્રણ વર્ષ અગાઉ ઇન્દ્રા ગામની જમીનના ભાગબટાઈ અને મોબાઇલના નાણાંની લેવડદેવડ બાબતે મૃતક સાથે આરોપીની માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મૃતક અને આરોપીની પત્ની વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા પણ હત્યાનું કારણ હોવાનું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ સીસીટીવી ફૂટેજ, દુકાનદારોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક