• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

અમદાવાદમાં સોની સાથે 2.19 કરોડની છેતરાપિંડી, ચાર સામે ફરિયાદ

-આસામના ચાર શખસએ સોનાના ઘરેણાને બદલે નકલી લગડી પધરાવી દીધી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.27 ઈસનપુરમાં રહેતા અને રતનપોળમાં સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા વેપારી સાથે આસામના ચાર શખસોએ રૂ.2.19 કરોડની છેતરાપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ શરૂઆતમાં ઘરેણાં બનાવડાવી રોકડમાં પેમેન્ટ કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ મોટો ઓર્ડર આપી દાગીના મેળવી રોકડના બદલે સોનાનો વરખ ચડાવેલી અન્ય ધાતુની નકલી લગડીઓ આપી ઠગાઈ કરી હતી.

ઈસનપુરના 52 વર્ષીય રાકેશભાઈ સોની છેલ્લા 20 વર્ષથી રતનપોળના સહજાનંદ માર્કેટમાં જૈનમ જ્વેલર્સ નામે સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાય કરે છે. તેમની ફરિયાદ મુજબ ગુવાહાટીમાં જ્વેલરીનો ધંધો કરતા મુનીર, અજીજ, જેબુદ્દીન અને તાલુભાઈએ કૃત્ય કર્યું હતું. ફેબ્રુઆરી 2026માં આરોપીઓએ સોનાની વીંટી અને બુટ્ટી બનાવડાવી તેનું તાત્કાલિક રોકડ પેમેન્ટ કર્યું હતું. બાદમાં વોટ્સએપ કોલ મારફતે 22 કેરેટ સોનાના સેટ, ચેઈન, રિંગ, બુટ્ટી અને બ્રેસલેટ સહિત 1624 ગ્રામ દાગીનાનો ઓર્ડર આપ્યો હતો. રાકેશભાઈએ વેપારી મિત્ર સાથે મળીને રૂ.2,19,62,500ના દાગીના તૈયાર કર્યા હતા. ડિલિવરી માટે ગુવાહાટી પહોંચ્યા બાદ આરોપીઓએ દાગીના મેળવી હોટેલમાં રોકડ આપવાનું કહ્યું હતું. ત્યાં 24 કેરેટ સોનાની 166 ગ્રામ વજનની નવ લગડીઓ આપી હતી. તપાસમાં લગડીઓ અંદરથી અન્ય ધાતુની અને ઉપરથી માત્ર સોનાનો વરખ ચડાવેલી નકલી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં આરોપીઓએ લગડીઓ બદલવાની ખાતરી આપી, પરંતુ દાગીના કે રોકડ પરત કરી અને ફોન પણ બંધ કરી દીધો. મામલે અમદાવાદ ડીસીબીમાં ફરિયાદ નોંધાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક