• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

પેટ્રોલમાં ભેળસેળ : દેશનાં 2,573 પેટ્રોલ પંપ ઉપર વેચાણ અટકાવાયું

પાણી અને ક્લોરાઈડની જોખમી સ્તરે ભેળસેળનો ખુલાસો : ઊ-20નાં વિવાદ વચ્ચે એન્જિન ઉપર જોખમ વધારતા અન્ય પરિબળ સામે કાર્યવાહી

નવીદિલ્હી,તા.28: ઈ-20 પેટ્રોલ (20 ટકા ઇથેનોલ મિશ્રિત)ને મુદ્દે ઓટોમોબાઇલ ક્ષેત્ર અને સરકાર વચ્ચે મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. સોસાયટી અૉફ અૉટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (એસઆઈએમએ)ના લીક થયેલા આંકડા અને ખાનગી સમાચાર સંસ્થાની તપાસમાં દેશનાં અનેક રાજ્યોમાં ઈ-20 પેટ્રોલમાં જોખમી સ્તરે ક્લોરાઇડ અને પાણીની ભેળસેળ જોવા મળી છે. જેના કારણે વાહનોના એન્જિન અને ફ્યુઅલ ઇન્જેક્ટર વહેલા ખરાબ થવાનું ગંભીર જોખમ ઊભું થયું છે. વધતી ફરિયાદો અને કન્ઝ્યુમર કોર્ટના કડક વલણ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે કડક પગલું ભરતાં ગુણવત્તાના ધોરણોની અવગણના કરનારા દેશભરના 2,573 પેટ્રોલ પંપ પર વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે. સરકાર દેશવ્યાપી ક્વોલિટી-કંટ્રોલ ડ્રાઇવ અને ભૂગર્ભ ટાંકીની કડક તપાસ દ્વારા ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં ગ્રાહકોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓટોકાર ઇન્ડિયાના અહેવાલ મુજબ, સરકારની આ ક્વોલિટી કંટ્રોલ ડ્રાઇવ હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કાટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી)ના સૌથી વધુ 1,257 પંપ પર વેચાણ અટકાવવામાં આવ્યું છે. ત્યારબાદ હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપી)ના 915 અને ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)ના 401 પંપનો સમાવેશ થાય છે. સપ્લાય ચેઇનમાંથી પાણી અને અશુદ્ધિઓ દૂર કરવા માટે હવે ભૂગર્ભ ટાંકીનું વોટર-ઇન્ગ્રેશ ટેસ્ટિંગ દિવસમાં 8થી 12 વખત ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમ દેશભરના આશરે 88,995 ડીલરો પર લાગુ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એસઆઈએએમના લીક થયેલા પત્રો પછી મીડિયા ખોજી અહેવાલમાં દેશનાં 18 રાજ્યોમાં જોખમી સ્તરે ક્લોરાઇડ અને પાણીની ભેળસેળનો ખુલાસો થયો હતો. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી 3 મિલિગ્રામ/કિલોગ્રામ (પીપીએમ)ની મર્યાદાની સરખામણીએ રાજસ્થાનમાં ક્લોરાઇડનું સ્તર 570 પીપીએમ અને મધ્ય પ્રદેશમાં 550 પીપીએમ સુધી નોંધાયું હતું. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં પાણીનું પ્રમાણ પણ નક્કી કરેલી મર્યાદા કરતાં ચાર ગણું વધારે જોવા મળ્યું હતું. જેના કારણે આધુનિક વાહનોના ફ્યુઅલ ઇન્જેક્ટર અને એન્જિનને ભારે નુકસાન થવાની આશંકા ઊભી થઈ છે.

ઈ-20 પેટ્રોલ ફરજિયાત કરવામાં આવ્યા બાદથી વાહનચાલકોને ઓછી માઇલેજ અને એન્જિન ખરાબ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાયપુરની એક ગ્રાહક અદાલતે મારુતિ સુઝુકીને એક ગ્રાહકની ગાડી બદલવાનો આદેશ આપ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે કાર ઉત્પાદકો પર વોરંટી અને કાનૂની દબાણ વધી રહ્યું છે. મારુતિ, ટાટા અને મહિન્દ્રા જેવી અગ્રણી કંપનીઓએ આંતરિક પરીક્ષણ દરમિયાન ગંભીર ભેળસેળ જોવા મળી હોવાનું જણાવ્યું હતું. જોકે હવે સરકાર અને ઓએમસી કડક પરીક્ષણો દ્વારા આ સમસ્યા પર નિયંત્રણ મેળવવાના પ્રયાસમાં છે.

નિષ્ણાતોનું માનવું છે કે ઈ-20 પેટ્રોલમાં અકાર્બનિક ક્લોરાઇડ માટે હાલમાં કોઈ ઔપચારિક રીતે ફરજિયાત કાનૂની ધોરણ (બીઆઈએસ સ્ટાન્ડર્ડ) નથી. જોકે પેટ્રોલિયમ મંત્રાલયે આંતરિક રીતે 3 પીપીએમની મર્યાદા નક્કી કરી છે. વાહનોના એન્જિનને સુરક્ષિત રાખવા માટે ક્લોરાઇડની મર્યાદાને કડક રીતે લાગુ કરતા નવા બીઆઈએસ ધોરણો તૈયાર કરવા અત્યંત જરૂરી બની ગયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક