• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ભારત-ચીનની મદદ લેવાનો નેપાળનો ઇનકાર!

પાડોશી દેશની સરકારે કહ્યું; અમે બચાવ રાહત માટે સક્ષમ, પુનર્વસનમાં મદદ માગશું

કાઠમંડુ, તા. 28 : નેપાળ-ચીન સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદી પ્રણાલીમાં આવેલી વિનાશક ફ્લેશ ફ્લડની હોનારતમાં ઓછામાં ઓછા 478 લોકોનાં મોત થયાં છે અને સેંકડો લોકો ગુમ છે. આ કટોકટી વચ્ચે નેપાળ સરકારે ભારત અને ચીન સહિત અનેક દેશોની સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તૈનાત કરવાની ઓફરનો અસ્વીકાર કર્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, તેમની પોતાની સુરક્ષા એજન્સીઓ આ રાહત અને બચાવ કામગીરી ચલાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

‘ધ કાઠમંડુ પોસ્ટ’ના અહેવાલ મુજબ ભારત, ચીન, અમેરિકા, બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના દેશોએ પોતાના રેસ્ક્યૂ કર્મચારીઓ મોકલવા માટે સત્તાવાર વિનંતી કરી હતી. ભારતે પોતાના સેંકડો નાગરિકો ગુમ હોવાથી એનડીઆરએફની ટીમ મોકલવાની પરવાનગી માંગી હતી, પરંતુ નેપાળે આ વિનંતી પણ ફગાવી દીધી છે. નેપાળ સરકારે જણાવ્યું કે 2015ના ભૂકંપ દરમિયાન મોટી સંખ્યામાં આવેલી વિદેશી ટીમોના કારણે કો-ઓર્ડિનેશન અને વ્યવસ્થાપનમાં મુશ્કેલીઓ પડી હતી, તેથી આ નિર્ણય લેવાયો છે.

બચાવ કામગીરી માટે ટીમો સ્વીકારવાનો ઇન્કાર કરવા છતાં નેપાળ સરકારે આર્થિક અને માનવતાવાદી સહાયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, નેપાળ ઈચ્છે છે કે વિદેશી નાણાકીય સહાય એક જ તંત્ર દ્વારા પ્રાપ્ત થાય, જ્યારે પુનર્વસન અને પુન: નિર્માણના તબક્કા દરમિયાન વધુ આંતરરાષ્ટ્રીય સહયોગ માગવામાં આવશે. અમેરિકાએ  500,000 ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે અને ડબ્લ્યુએચઓએ ઇમર્જન્સી મેડિકલ સપ્લાય મોકલ્યો છે.

નેપાળ પોલીસે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે 4,348 જવાનોને તૈનાત કર્યા છે. અત્યાર સુધીમાં 1,545 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અથવા સારવાર અપાઈ રહી છે. જો કે, હજુ પણ લગભગ 1,000 લોકો ગુમ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક