• શનિવાર, 04 જુલાઈ, 2026

સોરઠ-દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટયું : 20 ઇંચ વરસાદ, નદી-નાળા છલકાતા અનેક જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ

ડાંગના વઘઇમાં 13 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી, 3નાં મૃત્યુ

રાજકોટ તા.3 : ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના સોરઠમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આભ ફાટયું હોય તેમ રેકોર્ડબ્રેક 20 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને પગલે સમગ્ર પંથક દરિયામાં ફેરવાઈ ગયો છે. આ ઉપરાંત માળિયા હાટીનામાં 14 ઇંચ, કેશોદ અને મેંદરડામાં 13 ઇંચ, જ્યારે ગડુમાં 10.5 ઇંચ અને વેરાવળમાં 8 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો દક્ષિણ ગુજરાતના વઘઇમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ આકાશી આફતમાં 3 લોકોના મૃત્યુ થયા છે. નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં 4થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

ભારે વરસાદ અને પૂરના કારણે નદી-નાળા છલકાતા ગામડાઓ સાથેના સંપર્ક તૂટયા છે. સોમનાથ-પોરબંદર નેશનલ હાઈવે તેમજ કેશોદ-માંગરોળ સ્ટેટ હાઈવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. આ કુદરતી આપત્તિ વચ્ચે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ મિલકતોને નુકસાન થયું છે. જેતપુરમાં તાલુકા સેવા સદન અને તાલુકા પોલીસ સ્ટેશન વચ્ચેની કમ્પાઉન્ડ વોલનો મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે.

ડાંગના વઘઈમાં 13 ઇંચ અને ચીખલીમાં 8 ઇંચ વરસાદ ખાબકતા નદી-નાળા છલકાયા છે. વલસાડના છીપવાડ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ આકાશી આફત વચ્ચે દક્ષિણ ગુજરાતમાં 3 લોકોના કરૂણ મૃત્યુના સમાચાર છે. તાપી જિલ્લાના વાલોડમાં ખેતરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે નાળામાં ફસાયેલી ઝાડની ડાળીઓ હટાવવા જતાં કમલેશભાઈ ચૌધરી અને હિતેશભાઈ ચૌધરી નામના બે યુવકો પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા, જેથી બંનેના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે સુરતના કડોદરા ખાતે 1 વર્ષની માસૂમ બાળકી વરસાદી પાણીના નિકાલ માટે ખોદાયેલી ઊંડી ગટરમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું છે. વરસાદની તીવ્રતા અને તોફાની પવનને જોતા દરિયા કિનારાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, વેરાવળ અને સલાયા બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે, જે ઊંચા મોજા અને તોફાની પવનની આશંકા દર્શાવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જોડિયાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતાં શ્રમિક માતા-પુત્રના મૃત્યુ વાડીમાં કામ કરતા સમયે સર્જાઈ કરુણાંતિકા: પરિવારમાં છવાયો આક્રંદ July 04, Sat, 2026