• શનિવાર, 04 જુલાઈ, 2026

ગુજરાતમાં આતંક મચાવવાનાં ષડયંત્રનો પર્દાફાશ

જૈશ-એ-મોહમ્મદના 8 આતંકવાદી ઝડપાયા: બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશમાંથી ઝડપાયેલા આતંકવાદીઓ 14 દિવસના રિમાન્ડ પર

રાજ્યમાં લાંબા સમયથી સક્રિય રહી નેટવર્ક ઉભું કરતાં હોવાની આશંકા

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ, તા.3: આતંક ફેલાવીને ગુજરાતને હચમચાવી નાખવાનાં ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 આતંકવાદીને ઝડપી લેવામાં આવ્યા છે. આમાંથી 7ને ગુજરાતમાં પાટણ અને નવસારીમાંથી અને એકને મધ્યપ્રદેશનાં દેવાસમાંથી પકડવામાં આવ્યો છે.

રથયાત્રાના થોડા જ દિવસો પૂર્વે પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના આઠ આતંકવાદીઓ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. આ આતંકવાદીઓનું શું મનસૂબો હતો તે દિશામાં એટીએસ  દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કટ્ટરપંથીઓ ગુજરાત અને દેશમાં પોતાનું નેટવર્ક ઊભું કરવાનો નાપાક ઈરાદો ધરાવતા હતાં. સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અને પાટણના સિદ્ધપુરમાંથી ત્રણ-ત્રણ જ્યારે નવસારીમાંથી એક અને મધ્યપ્રદેશના દેવાસ ખાતેથી એક આતંકીને પકડી લેવાયો હતો.

આ સંદિગ્ધો ગુજરાતના જુદા-જુદા સંવેદનશીલ વિસ્તારોમાં રહીને આતંકી ફાંડિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાનું કામ કરતા હોવાની શંકા છે. પકડાયેલા શખસો પાસેથી ડિજીટલ પુરાવા, શંકાસ્પદ સાહિત્ય અને મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. જેના આધારે તેની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે અને પાંચ-છ મહિનાથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા.

ઝડપાયેલા આઠ આરોપીઓ પૈકી સરહદી વિસ્તાર બનાસકાંઠામાં જિલ્લાના પાલનપુરમાંથી અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (ઉં.19), ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા (ઉં.30) અને મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા (ઉં. 22)ને ઝડપી લેવાયા છે જ્યારે પાટણના સિદ્ધપુરમાંથી ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (ઉં.21), મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાઉવા (ઉં.40), મોહમ્મદ અમીન શેરા (ઉં.21), નવસારીના ચીખલીના અંભેટા ગામનો મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી (ઉં.22) અને મધ્ય પ્રદેશના દેવાસથી બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (ઉં.18)ની ધરપકડ કરાઈ છે.

મોડી સાંજે તમામ આતંકીઓને કડીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આતંકીઓના આ મોડયુલ અંગે ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી. જેના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્ય પ્રદેશના અલગ-અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તમામ વિરુદ્ધ યુએપીએ એક્ટ, 1967ની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જોડિયાના ટીંબડી ગામે વીજ કરંટ લાગતાં શ્રમિક માતા-પુત્રના મૃત્યુ વાડીમાં કામ કરતા સમયે સર્જાઈ કરુણાંતિકા: પરિવારમાં છવાયો આક્રંદ July 04, Sat, 2026