(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.2 ઃ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. 30 જેટલા
ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર અને હિસ્ટ્રીશીટર કલીમે પૂછપરછ દરમિયાન અચાનક ઉશ્કેરાઈને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરને ડાબા હાથમાં કોણીના ભાગે છરીનો ગંભીર ઘા વાગ્યો હતો, જેના પગલે તેઓ ઘાયલ થયા હતા.
જે.સી.પી.શરદ સિંઘલે તાત્કાલિક ભારે હિંમત દાખવી સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયારિંગ કર્યું હતું, જેમાં આરોપી કલીમના પગમાં ગોળી વાગી હતી. પ્રાથમિક તપાસમાં હુમલાખોર આરોપી નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે અને તેની પાસેથી અગાઉ ચાર ગેરકાયદે હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતા. હાલ ઘાયલ ઓફિસર શરદ સિંઘલ અને આરોપી કલીમ બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.