• ગુરુવાર, 02 જુલાઈ, 2026

સૌરાષ્ટ્રમાં 4.5 ઇંચ સુધીની અમૃતવર્ષાથી ધરતીપુત્રોના હૈયા હરખાયા

ભેસાણ 4.5,  દેવકી ગાલોલ-માડાસણ-માળિયા હાટીના-માંગરોળ 4, ગોંડલ 3, ગિરનાર 2.5, જૂનાગઢ-જામકંડોરણા-બગસરા-વેરાવળ 2, કુકસવાડા-જામજોધપુર- અમરેલી-રાજુલા 1.5, ધોરાજી- કુકાવાવ-વડિયા 1.25, પોરબંદર-તાલાલા-સૂત્રાપાડા-મહુવા-લીલિયા-વંથલીમાં 1 ઇંચ સહિત અન્યત્ર ઝાપટા વરસ્યા

રાજકોટ, તા.1: લાંબા સમયના અસહ્ય ઉકળાટ, બફારા અને ચિંતાના વાદળો વચ્ચે આખરે સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ રાહતભરી બાટિંગ શરૂ કરી છે. ચાતક નજરે વરસાદની રાહ જોતા ધરતીપુત્રો માટે આ આકાશી આફત નહીં પણ આશીર્વાદ બનીને વરસી છે. અમરેલી, ગિર સોમનાથ, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં અડધાથી લઈને ભેસાણમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ અને માળિયામાં 4 ઈંચ અને જેતપુર-ગોંડલમાં 3થી 4 ઇંચ સુધીનો તોફાની વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જામજોધપુરમાં 3, બગસરામાં 2, રાજુલામાં 1.5 અને અમરેલી-વેરાવળમાં 2ઈંચ જેવો સાર્વત્રિક વાવણીલાયક વરસાદ પડતાં ચારેકોર આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. નદી-નાળા અને ડેમોમાં નવા નીરની આવક થતાં જગતનો તાત હરખાઈ ઉઠયો છે અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ખુશીની હેલી લહેરાવી દીધી છે. રાજકોટમાં પણ આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર ઝાપટું વરસી જતા રસ્તા પર પાણી ભારાયા હતા. 

અમરેલી : જિલ્લામાં ચોમાસાએ આખરે જોરદાર એન્ટ્રી કરતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મન મુકીને વરસી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો છે. અમરેલી પંથકમાં આજે દોઢ ઇંચ વરસાદ વરસી જતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સાથોસાથ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરતા લોકો

મુશ્કેલીમાં મુકાયા હતા. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા શહેર ઉપરાંત તાલડા, ચોત્રા, ત્રાકુડા અને ભાવરડી સહિતના ગામોમાં વરસાદ વરસતાં ગિરના ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. વડિયા તાલુકામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. વરસાદથી જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક શરૂ થતાં ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં પણ રાહત અને આનંદની લાગણી વ્યાપી છે. અમરેલી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમિયાન અમરેલીમાં 37 મી.મી., કુંકાવાવ વડિયામાં 30 મી.મી., લાઠી 7 મી.મી., લીલિયા 24 મી.મી., બગસરા 52 મી.મી., ધારી 1 મી.મી., ખાંભા 3 મી.મી., જાફરાબાદ 3 મી.મી., રાજુલા 45 મી.મી., વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ : સોરઠમાં જેની ચાતક નજરે રાહ જોવાઇ રહી હતી તે મેઘરાજાએ આજે હેતપૂર્વક પધરામણી કરતા ભેસાણમાં સાડા ચાર, માળિયામાં ચાર, જૂનાગઢમાં બે, વંથલી-માંગરોળમાં એક ઇંચ, ગિરનારમાં અઢી ઇંચ વરસાદ પડતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે અને કિસાનોના જીવમાં જીવનો સંચાર થયો છે. અસહ્ય ઉકળાટ અને આકાશમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે બપોર બાદ એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા ભેસાણમાં સાડા ચાર, માળિયામાં ચાર ઇંચ વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યા હતા. વાવણી લાયક વરસાદથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી હતી.  ત્યારે જૂનાગઢમાં બે ઇંચ, ગિરનારમાં અઢી ઇંચ, વંથલી, માંગરોળમાં એક ઇંચ કેશોદમાં અડધો મેંદરડા અને માણાવદરમાં જોરદાર ઝાપટા પડયા હતા. ગિરનાર પર્વત પર સારા વરસાદને કારણે સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. શહેરમાં પ્રથમ બે ઇંચ વરસાદે જ મનપાની પ્રિ મોન્સુન કામગીરીનો પર્દાફાશ  કર્યો હોય તેમ ઠેરઠેર ગટરો ઉભરાવા લાગી છે. જોષીપરા ના ઓઘળનગર, નહેરુ પાર્ક સહિતના વિસ્તારોમાં ગટરો ઉભરાઈ હતી.  ઉપરાંત ફાર્મસી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા જોષીપરાના અંદાજે એક લાખ લોકોને ઓવરબ્રિજની કામગીરીને કારણે જોષીપરા ફાટક બંધ હોય અને અંડર બ્રિજ બંધ થતા ગિરિરાજ ફાટક પરથી પસાર થવાની ફરજ પડી છે પરિણામે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. જોષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં ગટરની ખુલ્લી કુંડીઓમાં કેટલાક વાહન ચાલકો પટકાતા કેટલાકને ઇજા પહોંચતી હતી. એક યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગોંડલ : દિવસભરનાં અસહ્ય બફારા બાદ સાંજે ચાર કલાકે મેઘરાજાનું આગમન થયું હતું. શરૂઆતમાં ઝરમર વરસ્યા બાદ ધોધમાર મેઘવર્ષા થતા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ ને કારણે રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. રાતાનાલા તથા ઉમવાડા અંડરબ્રીજમાં પાણી ભરાતા ટ્રાફિક અટવાયો હતા. ઉપરાંત માંડવીચોક, સેન્ટ્રલ સિનેમા ચોક સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

જામજોધપુર : પંથકમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને દોઢ ઈંંચ જેટલો વરસાદ પડયો છે. એપીએમસી યાર્ડમાં માલની આવક-જાવક વચ્ચે અચાનક શરૂ થયેલા વરસાદના કારણે યાર્ડના ખુલ્લા પટમાં પાણી ભરાઈ ગયા હતા. વેપારીઓએ માલ-સામાનને વરસાદથી બચાવવા તાડપત્રી ઢાંકવાની કામગીરી શરૂ કરી હતી. ઉપરાંત સાંજે કાલાવડ તેમજ તાલુકાના બામણ, ખરેડી, ભાવાભી ખીજડિયા જેવા અનેક ગામોમાં 5ણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને એક ઈંચ વરસાદ પડી ગયો છે. વાવણી લાયક વરસાદ વરસી જતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

જેતપુર : દેવકી ગાલોલ ગામમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ પડતાં ગાલોરીયો નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જેથી આ નદી પર જેતપુર- બગસરા રોડના ડાયવર્જન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને કારણે વાહન વ્યવહાર ખોરંભાય ગયો હતો. આ રોડ પર બે વર્ષથી ચાલતા પુલના કામને કારણે ગતવર્ષે પણ ડાયવર્જન પર આજ પરિસ્થિતિ હોય પુલનું કામ તાત્કાલીક પૂર્ણ કરવા સ્થાનિકોએ તંત્ર પાસે માગ કરી હતી. બીજીબાજુ જેતપુર શહેરમાં પણ આજે આજે બપોરે ચોમાસાનું પ્રથમ વરસાદી ઝાપટું પડ્યું હતું. પંથકમાં પણ વિરપુર, પ્રેમગઢ, પીઠડિયા, બોરડીસમઢિયાળા, ખારચિયા, ભેડાપીપળિયા ગામમાં વરસાદ પડયો હતો.

માળિયા હાટીના : છેલ્લા બે ચાર દિવસના વાદળિયા વાતાવરણ બાદ આજે સવારથી જ આકાશ કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં બે કલાકમાં  57 મી. મી. એટલે કે સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તાલુકાના અમરાપુર ગીર, વડીયા ગીર, પાણી ધરા, ભંડુરી સહિતના અનેક ગામોમાં વરસાદ પડયાના વાવડ મળ્યા છે.

પોરબંદર : જુલાઈ મહિનાના પહેલા દિવસથી જ મેઘાવી માહોલ વચ્ચે પોરબંદર શહેર અને આજુબાજુના વિસ્તારમાં મોસમનો પહેલો વરસાદ એક ઇંચ જેટલો વરસ્યો છે તો રાણાવાવમાં પણ અડધો ઇંચનું વહાલ કર્યુ છે. બરડા પંથકના ગામડાઓમાં પણ ગઇકાલે રાત્રિથી આજ સુધી હળવા ભારે ઝાપટા પડયા છે તેથી ખેડૂતોની ચિંતાના વાદળો હવે ધીમે ધીમે દૂર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.  શહેરમાં એક ઇંચ વરસાદ વરસતા ચોપાટીના મેળામેદાન સહિત ભાજપ કાર્યાલય આજુબાજુ અને છાયાચોકીના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

ધોરાજી : આજે વહેલી સવારે પાંચ વાગ્યે ઝરમર વરસાદ આવ્યો હતો. બાદ બપોરે 1:00 વાગે વરસાદનું પ્રારંભ થતાં સવા ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. ગેલેક્સી ચોક, અવેડા ચોક, સ્ટેશન રોડ, જેતપુર રોડ, સહિત વિસ્તારમાં રસ્તા પર પાણી જોવા મળ્યા હતા.

ગડુ : ગડુ સહિત ગામોમાં વર્ષના પ્રથમ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતો સહિત ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ બંધાતાં મેઘરાજા મહેર કરશે તેવી આશા સેવાઈ રહી હતી. આજે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવે વાવણીની કામગીરીને વેગ મળશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

કુકસવાડા : ચોરવાડ કુકસવાડા પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

મોટી પાનેલી: આજરોજ બપોરના સમયે એકદમ ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદનું આગમન ધીમી ગતિએ થયું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સાતવડી નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે માંડાસણ, બૂટાવદરમાં 2થી 4 ઇંચ સુધી વરસાદ વરસ્યોના વાવડ મળી રહયા છે.

જામકંડોરણા : આજે મેઘરાજાની શાનદાર પ્રથમ એન્ટ્રી થઈ હતી. બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો અને સાંજના સમયે ધોધમાર 45 મી. મી. (બે ઈંચ) વરસાદ પડી ગયો હતો. આ સારા વરસાદથી ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીની લ્હેર જોવા મળી હતી.

સાવરકુંડલા : શહેર અને તાલુકામાં લગાતાર બીજા દિવસે પણ ધીમી ગતિએ વરસાદ યથાવત રહ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઝરમર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

તાલાલા : ભારે ઉકળાટ વચ્ચે આજે બપોરે મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. મોસમના પ્રથમ વરસાદ પડતાં ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. શહેર સહિત પંથકના બોરવાવ ગિર, ધાવા ગિર, માધુપુર ગિર, આંકોલવાડી ગિર, ભોજદે ગિર સહિતના ગામોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. એક ઈંચ વરસાદથી શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયાં હતાં. વાવણી માટે અનુકૂળ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે. પંથકની જીવાદોરી સમાન ગિરના જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ ઉપર આજે 63 મીમી વરસાદ નોંધાયો હતો.

બગસરા : આસહ્ય ગરમી અને તાપ બાદ બપોરના સમયે વરસાદ પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. આજુબાજુ ગામોમાં જેવા કે હડાળા, ડેરીપીંપરિયા, માવજીજવાં જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા જ્યારે બગસરા શહેરમાં બે ઇંચ વરસાદ પડવા છતાં નદી નાળામાં પાણી આવ્યા નથી. 

વેરાવળ: આજે વહેલી સવારથી સમગ્ર ગિર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધીમી પણ ધીંગી ધારે પધરામણી કરતા લોકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે દિવસ દરમ્યાન જિલ્લાના છએય તાલુકાઓમાં સાર્વત્રિક સરેરાશ અડધોથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેમાં સવારે છ થી સાંજે છ વાગ્યા દરમિયાન પડેલ વરસાદના આંકડા જોઈએ તો વેરાવળમાં 2 ઈંચ, સૂત્રાપાડામાં 1 ઈંચ (27 મીમી), તાલાલામાં 17 મીમી, કોડિનાર અને ઉનામાં 1-1 મીમી અને ગિરગઢડામાં 15 મીમી વરસાદ વરસ્યો હતો.

ભાવનગર : આજે સાંજ સુધીમાં ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે તળાજામાં 3 મી.મી., ગારિયાધારમાં 2 મી.મી. અને જેસરમાં 2 મી.મી. વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ બોરડા પાદરગઢ નવા-જૂના સાંગણા, કામરોળ, જાલવદર, પસ્વી, પાદરીમા વરસ્યો હતો. ખેડૂતોએ વાવણી લાયક વરસાદ ગણાવ્યો હતો.

વિસાવદર : શહેરમાં બપોર બાદ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

માંગરોળ : આજે સવારથી ઝાપટા રૂપે અને બપોરથી સાંજ સુધી અવિરત વરસાદ વરસતા એક ઈંચ પાણી પડયું હોવાનું નોંધાયું છે. કેટલાય દિવસોથી વરસાદના આગમનની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે. શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં ગાય સહિત ત્રણ ગૌવંશના વિજશોકથી મોત નિપજયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

તળાજા : સવારથી શહેર અને પંથકના મોટાભાગના ગામડાઓમા વાદળછાયું વાતાવરણ જામ્યું હતું. તળાજા શહેરમા મધ્યમ વરસાદ અને સૌથી વધુ વરસાદ બોરડા, પાદરગઢ, નવા-જુના સાંગણા, કામરોળ, જાલવદર, પસ્વી, પાદરીમા વરસ્યો હતો. ખેડૂતોએ વાવણી લાયક વરસાદ ગણાવ્યો હતો. ઉપરવાસના ગામડાઓમા પણ દોઢેક કલાક સુધી વરસાદ વરસ્યો હતો. જેના પગલે કામરોળ ગામ વચ્ચેથી વહેતી તળાજી નદી બે કાંઠે વહેતી થઇ હતી.

ઉપલેટા : શહેર વિસ્તારમાં આજે ઝાપટા વરસ્યા હતા. જ્યારે ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસ્યાના વાવાડ મળ્યા છે.

માણાવદર: આજે દવિસ દરમિયાન ઝાપટા વરસ્યા હતા.

માધવપુર ઘેડ: આજે મોસમનો પ્રથમ વરસાદ પોણો ઇંચ જેટલો વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.

રાજુલાની રાયડી નદીમાં પૂર આવતા 20 બકરા તણાયા, પશુપાલકનો બચાવ

રાજુલા તાલુકામાં મેઘમહેર વચ્ચે ચોત્રા ગામે ધોધમાર વરસાદના કારણે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદી બે કાંઠે વહેતી થતાં ગામના પશુપાલક ધકડાભાઈના અંદાજે 15થી 20 બકરાઓ પૂરના પ્રવાહમાં ફસાઈ તણાઈ ગયા હતા. બકરાઓને બચાવવા માટે પશુપાલક પોતે પણ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. જોકે, ગામલોકોની સમયસરની બહાદુરી અને સતર્કતાના કારણે પશુપાલકનો હેમખેમ બચાવ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યું, સુરતમાં બે જર્જરિત મકાન ધરાશાયી

છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો મધ્યમથી ભારે વરસાદ ઠેકઠેકાણે પડયો છે. સુરતના પલસાણા,મહુવા તો નવસારી, વલસાડના વાપી, ઉમરગામમાં પણ વરસાદ વરસાદ પડયો છે. હવામાન વિભાગના છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદી આંકડા મુજબ સુરત જિલ્લાના ઓલપાડમાં 50, માંગરોળમાં 30 મીમી, કામરેજમાં 60 મીમી, પલસાણા 76 મીમી, બારડોલીમાં 52 મીમી, મહુવામાં 41 મીમી અને સુરત સિટીમાં 66 મીમી વરસાદ નોંધાયો છે. સુરતમાં મેઘરાજા વરસવાનુ શરૂ થતાની સાથે જ જર્જરિત મકાનોના ભાગો ધરાશાયી થવાની બે ઘટનાઓ સામે આવી છે. પહેલા બનાવમાં ગોપીપુરા વિસ્તારના દેસાઈવાડમાં આવેલા એક અત્યંત જર્જરિત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનના દાદરનો ભાગ આજે સવારે અચાનક મોટા અવાજ સાથે ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી. આ દુર્ઘટના વેળાએ મકાનના પહેલા માળે એકલા રહેતા 80 વર્ષીય વૃદ્ધા સુશીલાબેન ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા સુરક્ષિત રીતે લેડર મારફતે નીચે ઉતારી તેમનું દિલધડક રેસ્ક્યૂ કર્યું હતુ. બીજા બનાવમાં પાંડેસરામાં આવેલા મુક્તિનગરમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનની ગેલેરી અને દાદરનો ભાગ તૂટી જતાં ઉપરના માળે રહેતા 2 લોકો ફસાઈ ગયા હતા તથા નીચે પાર્ક કરેલી એક રિક્ષા અને એક બાઈક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ફાયર જવાનોએ ઉપરના મકાનમાં ફસાયેલા બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક